visiter

મંગળવાર, 25 જૂન, 2013

આઈ મિસ યુ

આઈ મિસ યુ 


કૉલેજના દિવસોની ડાયરી ફંફોસી તો
ઘણા મિત્રો તેમાં મળ્યા

તેમાના ઘણા મને ભૂલી ગયા હશે,
ઘણા મને અચૂક યાદ કરતા હશે,
ઘણા ભુલવવાનો ફક્ત ડોળ કરતા હશે,
બે ચાર મેં ખુદ ગુમાવી દીધા હશે,
અને બે ચાર મિત્રોઍ મને ગુમાવી દીધો હશે,

આજે યાદ આવે છે
ઍ ચાની લારી પર બેઠા બેઠા
આખી દુનિયાની ચર્ચાઓ,
ક્રિકેટની વાતોમાં કાઢેલા કલાકો ની કલાકો,
દેશના ભવિષ્યની ચર્ચાઓ,
આ બધી વાતોમાં ક્યારેય અંગત ચિંતાઓ ક્યાંય
ન રહેતી, કદાચ કોઇ ચિંતા હતી જ નહીં.

યાદ આવે છે
લેક્ચર્સ બન્ક કરી જોયેલી ફિલ્મો,
મિત્રો સાથે ભટકવુ વીના કારણ,
અમુક સ્પેસિયલ વ્યક્તિ સાથે વિતાવેલા દિવસો,
પરીક્ષાની આગલી રાતની બેચેની,
પરિણામમાં અનુભવેલી ન વર્ણવી શકાય તેવી ખુશી,

યાદ આવે છે,
નહીં કહેવાના કહી દેવાયેલા શબ્દો,
કહેવા જરૂરી હતા અને ન કહેવાયેલા શબ્દો,
બરબાદ કરેલા અમુક દિવસો,
અમુક મિત્રોના વગર કારણે દુખાવેલા દિલો,

કાશ ! સમય પાછો આવે અને ફરી
કોલેજનો આનંદ લઈ શકું.
પણ હવે તે શક્ય નથી

હવે તે જ મિત્રો ઇન્ટરનેટ પર
મ્યૂચુઅલ ફ્રેંડ બની ગયા છે
અને રાહ જોવામાં દિવસ નીકળી જાય છે
કે જેના માટે પોસ્ટ લખી છે તે ક્યારે તેને
લાઇક કરે કે કોઈ કૉમેંટ કરે


નંદાણી વિજય રતનપર તા-બોટાદ જીલ્લો-ભાવનગર

સો ઢોરનું ઘાસ બે ઢોરને


એક ગામમાં ખેડૂતોની એક સભા ભરાવાની હતી. અને એક મિનિસ્ટર સાહેબ ત્યાં ભાષણ આપવા આવવાના હતા. પણ બન્યું એવું કે એ વિસ્તારમાં આગલે દિવસે એટલો બધો વરસાદ પડી ગયો કે બધા રસ્તા બંધ થઈ ગયા. મિનિસ્ટર કહે, ‘મારે તો ગમે તેમ કરીને સભામાં ભાષણ આપવા જવું જ છે. કાર ના જાય તો હેલિકોપ્ટરની વ્યવસ્થા કરો.’

છેવટે મિનિસ્ટર સાહેબ હેલિકોપ્ટરમાં બેસીને સભાના સ્થળે પહોંચ્યા. પણ અહીં જુએ તો આખા મેદાનમાં ખાલી બે જ ખેડૂત આવેલા !
મિનિસ્ટર મૂંઝાયા : ‘શું કરું ? બે જણા આગળ ભાષણ કરું કે ના કરું ?’
ખેડૂતો કહે : ‘સાહેબ, અમે તમારી જેમ ભણેલા નથી અને તમારા જેટલા હોશિયાર પણ નથી. પણ એક વાત છે. જો અમારાં સો ઢોર હોય એમાંથી બે જ ઢોર આવે તો પણ અમે એમને ઘાસ તો ખવડાવીએ જ.’
આ સાંભળી મિનિસ્ટરે કહ્યું : ‘ઓકે. તો હું ભાષણ કરું છું.’ એમ કહીને મિનિસ્ટર સાહેબ ભાષણ કરવા લાગ્યા. પંદર મિનિટ થઈ, વીસ મિનિટ થઈ, અડધો કલાક થયો, પોણો કલાક થયો…. ભાષણ પૂરું થાય જ નહિ.

છેવટે બરાબર સવા કલાકે મિનિસ્ટર સાહેબે ભાષણ પૂરું કર્યું. પછી પેલા ખેડૂતોને પૂછે, ‘કેવું લાગ્યું મારું ભાષણ ?’
ખેડૂતો કહે : ‘સાહેબ, અમે તમારી જેમ ભણેલા નથી અને તમારા જેટલા હોશિયાર પણ નથી. પણ એટલી તો સમજ પડે છે કે સો ઢોરનું ઘાસ બે ઢોરને ના ખવડાવી દેવાય !’


સોમવાર, 24 જૂન, 2013

ઉઘાડા પગે


ઉઘાડા પગે ચાલતા માણસને થાય, કે “ચપ્પલ મળે તો સારુ.”  પછી થાય, “સાયકલ હોય તો સમય બચી જાય.”  
પછી થાય, “મોપેડ આવી જાય તો થાક તો ના લાગે.”  
પછી વિચારે, “ટુવ્હીલર હોય તો વાતો કરતા-કરતા રસ્તો પસાર થઈ જાય.”
 
પછી એમ લાગે, “ફોર વ્હીલર આવી જાય તો રસ્તે ગરમી-ઠંડી-વરસાદ તો ના નડે.”
 
પછી લાગે, “વિમાન હોય તો ટ્રાફિક તો ના નડે.”
 
વિમાનમાંથી દેખાતા ઘાસના મેદાનો જોઈને વિચારે, “ખુલ્લા પગે ઘાસમાં ચાલવાની નિરાંત મળે તો કેવું?”

કેદારધામ

ઉત્તરાંચલના એક નાનકડા ગામે વડોદરાવાસીઓને ગદગદ કરી દીધા,...
[તમે ઘરે પહોંચો એટલે અમને ફોન કરી દેજો,અમને અમારુ વળતર મળી જશે]**

>>વડોદરાથી કેદારધામ ગયેલા અને પૂર અને વરસાદની તબાહીને નજરે જોનાર વાઘોડીયા રોડનો 9 સભ્યોનો પરિવાર પાછો ફર્યો હતો.આ પરિવારે આજે એક વાતચીતમાં કહ્યુ હતુ કે કેદારનાથ પાસે પહાડીઓ પર આવેલા ત્રીગુણી નારાયણ નામના ગામે અમારા જેવા 1000 યાત્રાળુઓને સાચવ્યા હતા.આ ગ્રામજનો ના હોત તો અમારુ શું થાત તે કલ્પના પણ અમે કરી શકતા નથી.
સીતાપુર ખાતે અમારે મધરાતે હોટલ ખાલી કરવી પડી હતી.એ બાદ અમે પહાડી પર ઉંચાઈવાળી જગ્યાએ આખી રાત એક નાનકડા રુમમા કાઢી હતી.બીજા દિવસે સવારે અમે વધુ ઉંચાઈએ આવેલા ત્રીગુણી નારાયણ ગામમાં જવા નીકળ્યા હતા.જંગલમાં કદાચ અમે ભુલા પડી ગયા હોત પરંતુ ગ્રામવાસીઓ જ અમરા જેવા પ્રવાસીઓને શોધવા નીકળ્યા હતા.તેઓ અમને ગામમાં રહી ગયા હતા અને રહેવા માટે સ્કૂલ ખોલી આપી હતી.એટલુ જ નહી ઘણા પ્રવાસીઓને તેમણે પોતાના ઘરમાં રાખ્યા હતા.
બે દિવસ સુધી અમને રાખ્યાનો એક પણ પૈસો તેમણે લીધો ન હતો.ઉલ્ટાનુ તેમણે અમને જમાડ્યા હતા.પાછા ફરતી વખતે જ્યારે અમે પૈસા આપવાની કોશીશ કરી ત્યારે તેમાંના એક આગેવાને પોતાનુ કાર્ડ આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે તમે સલામત પહોંચી જાવ તો આ નંબર પર ફોન કરીને અમને જાણ કરી દેજો.એ જ અમારુ સાચુ વળતર હશે.બાકી અમને કશુ જોઈતુ નથી.

MOTI CHARO

એક છોકરો. ઉંમર હશે 13 કે 14 વરસની. પણ મગજ ખૂબ જ તેજ. વાતવાતમાં ગુસ્સે થઈ જાય. તોડ-ફોડ શરૂ કરી દે. વસ્તુઓ ફેંકે. બરાડા પાડવા માંડે. કંઈ કેટલીયે વારે તેનો ગુસ્સો ઊતરે. માબાપ બિચારા હેરાનપરેશાન થઈ ગયેલા. ઘણો સમજાવ્યો, ધમકાવ્યો. અરે, શિક્ષા પણ કરી જોઈ. પણ પથ્થર પર પાણી. પેલા બંધુમાં કોઈ જાતનો ફરક જ નહીં ! કંટાળીને એને મનોચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. ઘણો વખત એનો ઉપચાર ચાલ્યો. પણ પરિણામ મીંડું ! છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો. એણે થોડાક ખીલા અને એક હથોડી છોકરાને લાવી આપી. પછી કહ્યું કે જ્યારે જ્યારે એને દાઝ ચડે – ગુસ્સો આવે ત્યારે ત્યારે એણે ઘરની ફેન્સિંગ (વંડી)માં એક ખીલો ઠોકવો.

પ્રથમ દિવસે છોકરાએ વંડીમાં 38 ખીલા ઠબકારી દીધા ! જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ખીલાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું. બાળકને સમજાતું ગયું કે દીવાલમાં ખીલો મારવા કરતાં મગજ ઠેકાણે રાખવું વધારે સહેલું છે. આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નહીં. એ દિવસે એણે દીવાલમાં એક પણ ખીલો ન માર્યો ! એ દિવસે એ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું કે ‘પિતાજી ! આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અને દીવાલમાં એક પણ ખીલો નથી માર્યો.’
બાપ કહે : ‘ખૂબ જ સરસ બેટા ! હવે એક કામ કર. દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દીવાલમાંથી એક એક ખીલો કાઢતો જવાનો.’ બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે તેટલી વખત અગાઉ બેસાડેલો એક એક ખીલો કાઢવાનું શરૂ કર્યું. જ્યારે બધા જ ખીલા નીકળી ગયા ત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે બધા ખીલા દીવાલમાંથી નીકળી ગયા છે.

બાપે દીકરાને ગળે વળગાડ્યો. એને ખૂબ જ આનંદ થયો. પછી તેનો હાથ પકડીને દીવાલ પાસે લઈ ગયો. એણે કહ્યું : ‘બેટા ! તેં ઉત્તમ અને અદ્દભુત પ્રયત્ન કર્યો છે. તારું અને મારું ધ્યેય પૂરું થયું. પણ આ દીવાલ સામે તેં જોયું ? એમાં પડી ગયેલાં કાણાં જોયાં ? એ હવે પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે. તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈક અપમાનજનક વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય છે. એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે. ‘માફ કરી દો’ એમ કહી દેવાથી સામી વ્યક્તિ એ ઘા ને ભૂલી શકે પરંતુ એણે કરેલો ઉઝરડો ક્યારેય નથી રુઝાતો. તલવાર કે શસ્ત્રોનો ઘા તો ફક્ત શરીરને જ અસર કરે છે, પરંતુ શબ્દોનો ઘા તો આત્માને ઈજા પહોંચાડે છે. તું સુધરી ગયો તેનો મને ખૂબ જ આનંદ થયો છે. મારી આ વાત તું સમજી શકશે એવું લાગ્યું એટલે જ હું તને આ શબ્દો કહી રહ્યો છું…’ બાપ આગળ બોલી ન શક્યો. દીકરો પણ સજળ નયને સાંભળી રહ્યો !

મારા વહાલા મિત્રો….. તમારા દિલની દીવાલમાં અજાણપણે મારાથી ક્યારેય પણ કટુ શબ્દોનો ખીલો મરાઈ ગયો હોય તો મને માફ કરજો.

– ડૉ. આઈ. કે. વિજળીવાળા (MOTI CHARO)

બુધવાર, 19 જૂન, 2013

પ્રેમ દરેક દર્દ ની દવા પણ છે.

નાનકડી સમજવા જેવી સ્ટોરી ! અચૂક વાંચજો ને શેર જરૂર કરજો !!!
======================
==============================

રોમા એક નાની છોકરી હતી. તેને જમવાનું બનાવવાનો ખૂબ શોખ હતો. જયારે પણ માં જમવાનું બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના હાથનું જમવાનું એટલું સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે. રોમા જોતી હતી કે મમ્મીની પાસે એક ડબ્બો છે. દરેક વખતે જયારે મમ્મી જમવાનું બનાવે છે તો ડબ્બામાંથી કશુંક કાઢીને જરૂર નાખતી હતી. રોમાને લાગ્યું કે જરૂર આ ડબ્બામાં એવું કશુ છે જેને રસોઈમાં મેળવવાથી રસોઈનો સ્વાદ બમણો થઇ જઈ છે. માં તે ડબ્બાને ખૂબ સંભાળીને રાખતી હતી. રોમાએ પોતાની મમ્મીને એવું કહેતા પણ સાંભળ્યું હતું કે આ ડબ્બો તેમને તેમની મમ્મી પાસેથી મળ્યો હતો.

એક દિવસ રોમાની મમ્મી બીમાર પડી ગઈ. રોમાએ હિંમત કરીને કહ્યું કે કોઈ વાંધો નહિ, હવે મમ્મી આરામ કરશે અને જમવાનું પોતે બનાવશે. જયારે રોમા કિચનમાં રસોઈ બનાવવા પહોંચી તો જમવાની બધી તૈયારી કર્યા પછી તેને યાદ આવ્યું કે માંની દરેક ડિશ એટલે સ્વાદિષ્ટ બનતી હતી કે તે ઉપર મૂકેલા ડબ્બામાંથી રોજ કશુ ને કશુ નાખતી હતી. રોમાએ એક ટેબલ પર સ્ટૂલ મૂકીને અભરાઈ પર મુકેલો ડબ્બો ઉતારી લીધો. તેણે સ્ટીલનો એ નાનકડો ડબ્બો ખોલીને જોયું તો ડબ્બામાં કશુ જ નહોતું. બસ, જુના કાગળની એક નાનકડી ચિઠ્ઠી મૂકી હતી.
રોમાએ તે ચિઠ્ઠી ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું કે – બેટા તું જે પણ બનાવે, તેમાં એક ચપટી પ્રેમ જરૂર નાખજે જેથી તારી બનાવેલી વસ્તુ બીજાને ગમે. રોમાને વાત સમજતા વાર ન લાગી… કેટલી સારી વાત છે ને કે તમારા દરેક કામમાં થોડો પ્રેમ સમાય જાય તો તે સામી વ્યક્તિને જરૂર પ્રભાવિત કરે છે.

→ પ્રેમ દરેક દર્દ ની દવા પણ છે.

સોમવાર, 3 જૂન, 2013

ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૬.૪૩ ટકા પરિણામ,વિદ્યાર્થિનીઓ મોખરે

ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૬.૪૩ ટકા પરિણામ,વિદ્યાર્થિનીઓ મોખરે
- 65 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું
- 92 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો
- વિદ્યાર્થિનીઓનું 75.96 ટકા, જ્યારે વિદ્યાર્થીઓનું 60.36 ટકા પરિણામ.

આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઓનલાઇન પરિણામ જાહેર થયું છે. રાજ્યનું કુલ પરિણામ 66.43 ટકા આવ્યું છે. આ વખતે પણ વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યું છે. રાજ્યનું સૌથી વધુ પરિણામ ઝાલોદ કેન્દ્રનું 97.71 ટકા આવ્યું છે, જ્યારે દ્વારકા કેન્દ્રનું સૌથી ઓછું 35.74 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લાઓની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાનું સૌથી વધુ 81.91 ટકા, જ્યારે પોરબંદર જિલ્લાનું સૌથી ઓછું 47.13 ટકા પરિણામ આવ્યું છે.

આજે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓએ ઓનલાઇન રિઝલ્ટ મેળવવા માટે પડાપડી કરી હતી. વિદ્યાર્થીઓએ વેબસાઇટ અને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પૂરા પાડવામાં આવેલી ફોન સેવા અને એસએમએસ સર્વિસનો ઉપયોગ કરીને રિઝલ્ટ મેળવ્યા હતા.ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૬.૪૩ ટકા પરિણામ,વિદ્યાર્થિનીઓ મોખરે
આજે જાહેર થયેલા પરિણામ પ્રમાણે રાજ્યની 63 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓનું 60.36 ટકા, જ્યારે વિદ્યાર્થિનીઓનું 75.96 ટકા પરિણામ આવ્યું છે. વ્યવસાયલક્ષી કોર્સનું 76.03 ટકા પરિણામ આવ્યું છે. 92 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.


ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૬.૪૩ ટકા પરિણામ,વિદ્યાર્થિનીઓ મોખરે
બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહની સાથે વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ પણ આજે જાહેર કરવામાં આવ્યું છે. જોકે પરિણામ સાથે વિદ્યાર્થીઓને માર્કશીટ મળે તેમ નથી. સંભવત પરિણામના એક સપ્તાહની અંદર બોર્ડ દ્વારા શાળાઓને માર્કશીટ મોકલી આપશે અને ત્યાંથી વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ કરાશે. ગત વર્ષે પણ ૨પ મેના રોજ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવાયું હતું. જોકે આ વખતે ૯ દિવસ મોડું ૩ જૂનના રોજ પરિણામ જાહેર કરાઈ રહ્યું છે.