visiter

ગુરુવાર, 26 ડિસેમ્બર, 2013

શ્રીકૃષ્ણની પૂજા રાધાજી સાથે કેમ થાય છે?



રાધાનો પ્રેમ એટલો ગાઢ અને મહાન હતો કે તેમણે પોતાનું સર્વસ્વ શ્રીકૃષ્ણ પર ન્યોછાવર કરી દીધું અને પોતાના મનને સંપૂર્ણપણે શ્રીકૃષ્ણનાં ચરણોમાં લગાવી દીધું

આમ તો બધા જ સંબંધોનું પોતાનું વિશેષ મહત્ત્વ હોય છે. બધાના પોતાના અલગ-અલગ કર્તવ્ય અને અધિકાર હોય છે. જન્મ સાથે જોડાયેલા સંબંધો સિવાય પણ એક મહત્ત્વનો સંબંધ છે, જેને પ્રેમસંબંધ તરીકે ઓળખવામાં આવે છે.

કોઈની પણ સાથે નિઃસ્વાર્થ પ્રેમનો સંબંધ હંમેશાં પૂજનીય છે એવો સંદેશ શ્રીકૃષ્ણે આપ્યો છે. શ્રીકૃષ્ણ અને રાધાજી એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે નિઃસ્વાર્થ પ્રેમ દરેક સંબંધોથી વધારે પવિત્ર અને મહાન છે. આ જ કારણસર શ્રીકૃષ્ણની સાથે રાધાજીની પૂજા કરવામાં આવે છે.

સંબંધોમાં માતા-પિતા અને ગુરુનું સ્થાન ઈશ્વર સમાન જણાવવામાં આવ્યું છે અને આ લોકો હંમેશાં આદર અને માન-સન્માન મેળવવાના અધિકારી પણ છે. તેમનો અનાદર કરનારા લોકો પર ભગવાન ક્યારેય પ્રસન્ન થતાં નથી. ભગવાન વિષ્ણુએ જ્યારે જ્યારે પણ અવતાર ધારણ કર્યો છે ત્યારે ત્યારે તેમણે માતા-પિતા અને ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ રાખવાનો સંદેશ આપ્યો છે. કોઈ પણ વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધીમાં અસંખ્ય લોકોના સંપર્કમાં આવે છે. કેટલાક વિશેષ લોકો પ્રત્યે તેને સ્નેહ હોય છે, કેટલાક મિત્ર બની જાય છે. આવો જ પ્રેમ રાધાજી અને શ્રીકૃષ્ણ વચ્ચે હતો. તેમને એકબીજા પ્રત્યે અસીમ પ્રેમ હતો. તેમના પ્રેમમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ કે અપેક્ષા નહોતી.

ગોકુળમાં એવી કોઈ ગોપી નહોતી કે જેને શ્રીકૃષ્ણ સાથે પ્રેમ ન હોય. દરેક ગોપીનો પ્રેમ પવિત્ર અને ભક્તિપૂર્ણ હતો. બધી જ ગોપી શ્રીકૃષ્ણને પોતાના પ્રિયતમના રૂપમાં જ જોતી હતી અને શ્રીકૃષ્ણ પણ બધાને એવો જ સ્નેહ આપતા હતા. આ બધી જ ગોપીઓમાં રાધાનું સ્થાન સર્વોચ્ચ હતું.

રાધાનો પ્રેમ એટલો ગાઢ અને મહાન હતો કે તેમણે પોતાનું સર્વસ્વ શ્રીકૃષ્ણ પર ન્યોછાવર કરી દીધું અને પોતાના મનને સંપૂર્ણપણે શ્રીકૃષ્ણનાં ચરણોમાં લગાવી દીધું. શ્રીકૃષ્ણ પણ રાધાજીના પ્રેમમાં સંપૂર્ણ રંગાઈ ગયા હતા. શ્રીકૃષ્ણ અને રાધાજીનો ગાઢ પ્રેમ દર્શાવતા ઘણાં પ્રસંગો આપણા ગ્રંથોમાં આપવામાં આવ્યા છે. તેમાંથી એક પ્રસંગ આ પ્રમાણે છે.

રાધાજીએ શ્રીકૃષ્ણને પૂછયું, "હે કૃષ્ણ! તમે મને પ્રેમ કરો છો, પરંતુ તમે મારી સાથે વિવાહ નથી કર્યા, આવું કેમ? હું એ વાત સારી રીતે જાણું છું કે તમે સાક્ષાત્ ભગવાન જ છો અને તમે કંઈ પણ કરી શકો છો. તમે ઇચ્છો તો ભાગ્યના લેખ બદલવા પણ સક્ષમ છો, છતાં પણ તમે રુક્મિણી સાથે વિવાહ કર્યા, મારી સાથે નહીં."

રાધાજીની આ વાત સાંભળીને શ્રીકૃષ્ણે ઉત્તર આપ્યો, "હે રાધે! વિવાહ બે લોકો વચ્ચે થાય છે. વિવાહ માટે બે અલગ-અલગ વ્યક્તિઓની જરૂર હોય છે. તું મને એ કહે કે રાધા અને કૃષ્ણમાં બીજી વ્યક્તિ કોણ છે. આપણે બંને તો એક જ છીએ, તો પછી આપણા વિવાહની શું આવશ્યકતા છે. નિઃસ્વાર્થ પ્રેમ વિવાહનાં બંધન કરતાં પણ વધારે મહાન અને પવિત્ર હોય છે."

આ જ કારણસર રાધાકૃષ્ણ નિઃસ્વાર્થ પ્રેમની પ્રતિમૂર્તિ અને હંમેશાં પૂજનીય છે, તેથી જ રાધાકૃષ્ણનું નામ જોડે લેવાય છે અને તેમનું સાથે પૂજન થાય છે.
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
2000+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો