visiter

બુધવાર, 4 ડિસેમ્બર, 2013

કુભેશ્વરનાથ શિવલિંગનું રહસ્ય


**********************
મધ્યપ્રદેશના જબલપુરમાં રેવા નદીના તટ પર લમ્હેરી ગામમાં આવેલ કુભેશ્વર મહાદેવ મંદિરમાં બે શિવલિંગ છે. સ્વયંભૂ પ્રગટેલ આ બે શિવલિંગનું શિવાલય વિશ્વમાં એક માત્ર જ છે. આ શિવલિંગના પ્રાગટય પાછળ રામ, લક્ષ્મણ અને હનુમાનની પૌરાણિક કથા પણ જોડાયેલી છે
મધ્યપ્રદેશના જબલપુરમાં રેવા નદીના તટે પ્રકૃતિની ગોદમાં આવેલું કુભેશ્વર મહાદેવનું મંદિર શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર પાછળ જોડાયેલ કથા મંદિરના માહાત્મ્યને અને શિવભક્તોની શ્રદ્ધાને વધારી દે છે.

શાસ્ત્રો અને પુરાણના મત પ્રમાણે એક જ થાળામાં બે શિવલિંગ હોવાનું અનોખું જ માહાત્મ્ય છે. એક પૌરાણિક કથા અનુસાર રામ-લક્ષ્મણ પહેલાં હનુમાનજીએ સ્વયં અહીં આવીને શિવજીની પૂજા-અર્ચના કરી હતી અને વનનું રક્ષણ કરીને પ્રકૃતિનું સંવર્ધન કર્યું હતું.

નર્મદા પુરાણ અને શિવ પુરાણ અનુસાર આ શિવલિંગ સ્વયંભૂ છે જે નર્મદા નદીમાંથી મળી આવ્યું હતું. રામાયણમાં જ્યારે સીતાજી ધરતીમાં સમાઈને સમાધિ લઇ લે છે ત્યારબાદ હનુમાનજી શ્રીરામ પાસે શિવજીનાં દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે ત્યારે શ્રીરામ ભગવાન તેમને કૈલાશ પર્વત પર જવાનું કહે છે. હનુમાનજી શિવદર્શનની અભિલાષા સાથે કૈલાશ પર્વત પર જાય છે, પરંતુ અહીં તેમને મહાદેવનાં દર્શન થતાં નથી. કૈલાશ પહોંચતાં જ નંદી હનુમાનજીને શિવજીનાં દર્શન કરતાં રોકે છે. નંદીનું આવું વર્તન જોઇને હનુમાનજી ખૂબ જ વિનમ્રતાથી પૂછે છે કે, "મારો શું દોષ છે. મેં એવાં કયાં પાપ કર્યાં છે કે તું મને શિવજીનાં દર્શનથી વંચિત રાખે છે?" ત્યારે નંદી તેમને ભૂતકાળમાં લઇ જઇને તેમણે કરેલાં કર્મની યાદ અપાવે છે. નંદી કહે છે કે, "હા, તમે એવાં પાપ કર્યાં છે કે જેના લીધે તમે શિવજીનાં દર્શનના અધિકારી નથી. તમે રાવણ કુળનો નાશ કર્યો છે. રાવણ બ્રાહ્મણ કુળનો હતો તેથી બ્રહ્મહત્યાનું પાપ પણ તમારા માથે છે અને જ્યારે તમે સીતાજીની શોધ માટે લંકા આવ્યા હતા ત્યારે અશોકવાટિકાને ઉજ્જળ કરીને પ્રકૃતિને પણ નુકસાન પહોંચાડયું હતું. તો આ બધાં જ પાપ ક્ષમ્ય નથી તેથી તમને શિવજીનાં દર્શનનો લાભ ન મળી શકે. નંદીની વાત સાંભળીને હનુમાનજી તો મૂંઝાઇ ગયા. તેમણે નંદીને પૂછયું કે, "મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે તો શું કરવું જોઇએ?" ત્યારે નંદી કહે છે કે, "તમે નર્મદા નદીને કિનારે આવેલ કુભેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીની સાધના કરો અને ત્યાં આવેલ વનનું સંરક્ષણ અને સંવર્ધન કરો. કુભેશ્વર મંદિરમાં સ્થાપિત શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ છે તેમાં શિવજીનો વાસ છે. મહાદેવ બહુ દયાળુ છે. તેમની આરાધના કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળી જશે અને આ શિવાલયમાં તમને શિવત્વની અનુભૂતિ થશે."

નંદીની આજ્ઞા પ્રમાણે પાપમાંથી મુક્તિ મેળવવા હનુમાનજીએ આ કુભેશ્વર શિવાલયમાં તપ કર્યું અને તેમણે સઘળી વાત શ્રીરામને પણ કહી સંભળાવી ત્યારે શ્રીરામને થયું કે આ બધાં જ પાપકર્મમાં તો હું પણ ભાગીદાર છું તો મારે પણ આ સ્થળે તપ કરવું જોઇએ. ત્યારબાદ શ્રીરામ લક્ષ્મણે પણ આ જ મંદિરમાં તપ કર્યું. શ્રીરામે લક્ષ્મણ સાથે અહીં શિવની આરાધના કરી હોવાથી આ મંદિર રામેશ્વર-લક્ષ્મણેશ્વરના નામે પણ ઓળખાય છે.
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો