visiter

ગુરુવાર, 7 માર્ચ, 2013

દિકરી એટલે દિકરી

દિકરી એટલે દિકરી. બાપ-દિકરીના સંબંધ એકદમ મીઠાં હોય છે. પપ્પાની દોસ્ત બનીને તેમને આનંદોલ્લાસમાં રાખવાનું કામ એક દિકરી બહુ સરળતાથી કરતી હોય છે. એ હું મારા ઘરમાં જ જોઇ રહી છું. સવારે ઘરેથી નીકળતા પોણા બે વર્ષની નાનકડી દિકરીને પપ્પા કહેતાં હોય છે કે બેટા પપ્પા ઓફિસેથી ઘરે જલ્દીથી આવી જશે હો, તારા માટે શું ભાગ લઇ આવે? ત્યારે દિકરીના મોં પર જોવા મળતી એક સરસ મજાની સ્મિતથી પપ્પા ખુશખુશાલ થઇને ઓફિસે જતા હોય છે. ત્યારબાદ સૂરજદાદા કયારે એમના ઘરે જશે, તેની વાટે ઉભેલી દિકરી પોતાના પપ્પા ભાગ લઇને જલદીથી આવે, તેની રાહ જોતી હોય છે.

પપ્પાની રાહમાં તે ઘરના બેલ સામે ટગર-ટગર જોયા કરે છે, કયારે બેલ વાગે અને દરવાજો ખોલીને પપ્પાને બાથ ભરી લઉં. વારેઘડીએ મમ્માને હીંચકામાં ઝૂલતાં-ઝૂલતાં પૂછે છે કે મમ્મા પપ્પા ઓફિસ? કયારે આવશે? મમ્મા કહે છે કે બેટા થોડીક જ વારમાં. એમ કહેતાં કહેતાં એકાદ-કલાક નીકળતા જ પપ્પાના બાઇકનો અવાજ સંભળાતા ઉછળકૂદ કરતી દિકરી ઘરના દરવાજા પાછળ સંતાઇ જાય છે. પપ્પા જેવો બેલ મારે તેવી એકદમ ચૂપ થઇને ઘરના દરવાજા પાછળ મોં પર આંગળી કરીને દિકરી મમ્માને ચૂપ રહેવાનો ઇશારો કરતી હોય છે. પપ્પા બહારથી બોલે કે મારી દિકરી કયાં ગઇ એટલે 'ભાઉ' કરતી દોડીને પપ્પાને ભેટી પડે છે, અને પપ્પા બોલી ઉઠે છે કે બાપ રે ઘરમાં વાઘ આવી ગયો! આ બાપને દિકરી ક્યાં મોટી થઇ રહી છે તેનો ખ્યાલ નથી.

મેં એના પપ્પાને પૂછયું કે આપણી દિકરી બહુ ઝડપથી મોટી થઇ રહી છે નહીં, ત્યારે એમને જવાબ આપ્યો, "જ્યારે મારા કાને શરણાઇઓ સંભળાશે ત્યારે જ મને લાગશે કે મારી દિકરી મોટી થઇ ગઇ છે."

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો