visiter

શનિવાર, 24 ઑગસ્ટ, 2013

જીવન જીવવા જેવું છે એવું પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડે એ જ સાચો મિત્ર

      
     એક ખેડૂતની પાસે એના ફાર્મમાં એક બકરી અને એક ઘોડો હતાં.બકરી અને ઘોડો એક બીજા માટે લાગણીના તંતુથી જોડાયેલાં હતાં.એક દિવસ ઘોડો અચાનક માંદો પડી ગયો .ખેડૂતે પ્રાણીઓના નિષ્ણાત ડોક્ટરને ફાર્મ ઉપર બોલાવ્યા.ડોક્ટરે ઘોડાને તપાસીને ખેડૂતને કહ્યું “આ ઘોડો વાયરસમાં સપડાઈ ગયો છે .એને ત્રણ દિવસ માટે દવા આપવી પડશે.હું ત્રીજા દિવસે આવીશ અને જો એની સ્થિતિમાં સુધારો નહીં જણાય તો પછી એના જીવનનો અંત લાવવો જરૂરી બનશે.”
        ઘોડાની બાજુમાં ઉભેલી બકરી એક ધ્યાનથી ખેડૂત અને ડોક્ટરની આ વાતચીત સાંભળી રહી હતી.બીજે દિવસે ડોક્ટરના માણસો ઘોડાને દવા આપીને ગયા પછી બકરી ઘોડાની નજીક ગઈ અને એને કહેવા લાગી “દોસ્ત,તારું મન મજબુત કર અને ઉભો થઇ જા . ઉભો થઈને તું ચાલવા લાગ નહિતર એ લોકો તને કાયમ માટે સુવાડી દેશે એ નક્કી છે.
બીજે દિવસે પણ ડોક્ટરના માણસો આવીને ઘોડાને દવા આપીને વિદાય થયા.બકરી ફરી ઘોડાની પાસે આવીને એના મિત્રમાં જોશ આવે એવા શબ્દોમાં કહેવા લાગી “મારા દોસ્ત,થોડું વધારે જોર લગાવીને ઉભો થઇ .તારે જો જીવવું હોય તો એ જ એક રસ્તો છે નહિતર તું મર્યો સમજજે.એટલે જરા પ્રયત્ન કર ,હું તને ઉભાં થવામાં મારાથી બનતી મદદ કરીશ.ચાલ, એક…..બે…..ત્રણ….
ત્રીજે દિવસે પ્રાણીઓના ડોક્ટર આવ્યા અને ઘોડાને દવા આપ્યા પછી એમણે ખેડૂતને કહ્યું :”કમનશીબે અમારે આવતીકાલે કોઈ પણ હિસાબે આ ઘોડાને કાયમ માટે સુવડાવી દેવો પડશે. જો એમ નહીં કરીએ તો ઘોડાનો વાયરસ ચોતરફ ફેલાઈ જતાં બીજા ઘોડાઓને પણ એનો ચેપ લાગવાનો મોટો ભય છે.
ડોક્ટરના ગયા પછી બકરી ઘોડા પાસે ગઈ અને એને કહેવા લાગી : તેં સાંભળ્યું ને ડોક્ટરે શું કહ્યું ? દોસ્ત,સાંભળ,મરણીયો થઈને ઉભો થઇ જા .આજે જ અને અત્યારે જ, પછી તો કદી નહીં. જરા હિંમત બતાવ, કમ ઓન, જોર લગાકે હૈસો,ઉભો થઇ જા.એક…બે… અને ત્રણ ….
પોતાના દોસ્ત બકરીના જોશીલા શબ્દોની એના પર ચમત્કારીક અસર થઇ .ઘોડામાં સુસુપ્ત રીતે પડેલી જીજીવિષા જાગૃત થઇ ગઈ.ઘોડો ધીમે ધીમે ઉભો થઇ ગયો.બકરીના વધુ પ્રોત્સાહનથી એ ચાલવા માંડ્યો અને પછી દોડવાનું શરુ કર્યું.બકરી ખુશ થઇ ગઈ અને કહેવા લાગી :”તેં કરી બતાવ્યું,,દોસ્ત તું મારો શેર છે,તું એક મોટો ચેમ્પિયનછે.”
ઘોડાનો માલિક ખેડૂત ઘોડાને દોડતો જોઈને ઘરની બહાર દોડી આવ્યો અને ખુશીમાં આવી જઈને મોટેથી બોલી ઉઠ્યો :”અરે, આ હું શું જોઈ રહ્યો છું.આ તો મોટો ચમત્કાર થઇ ગયો .મારો ઘોડો હવે સાજો થઇ ગયો.”
જીવનની મોટી કરુણીકા અને વિધિની વિચિત્રતા તો આ ખેડૂતે ખુશ થઈને આગળ જે કહ્યું એમાં આવે છે.
ખેડૂતે એના મિત્રોને સંબોધી કહું : ” મારો ઘોડો હવે પહેલાની જેમ દોડવા લાગ્યો છે. હવે એક મોટી મિજબાની કરવી જ જોઈએ.ચાલો, આ બકરીની કતલ કરીએ અને એક ગ્રાંડ પાર્ટીમાં એનું જમણ કરીએ!”
(મિત્રની હતાશાને દુર કરે અને એને જીવન જીવવા જેવું છે એવું પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડે એ જ સાચો મિત્ર.)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો