visiter

બુધવાર, 28 ઑગસ્ટ, 2013

કૃષ્ણજન્મની ઉજવણી

......વિચારીએ...­.....
અમલમાં મુકવાનો થોડો પ્રયાસ કરીએ અને સાચા અર્થમાં કૃષ્ણજન્માષ્ટમીની ઉજવણી કરીએ.
કૃષ્ણ એક એવું વ્યક્તિત્વ જે સમગ્ર માનવજાતને પોતાના તરફ આકર્ષે છે.સામાન્ય માણસ તરીકે કૃષ્ણ, આપણને બધાને જીવન જીવવાની સાચી રીત શીખવી જાય છે. કદાચ આ પૃથ્વી પરના એ સૌથી દુખી અને કમનસીબ માણસ હતા , જેની પાસેથી આનંદ-ઉલ્લાસની તમામ તકો છીનવી લેવામાં આવી હતી અને છતાય એના મુખ પર વેદના નહી વાંસળીના સુર વહેતા જોયા છે બધાએ.

સામાન્ય બાળકને પણ જન્મતાની સાથે સુવાળી ગોદડી અને માં નો ખોળો મળે કૃષ્ણ એક રાજાનો ભાણેજ અને મુખીનો દિકરો હતો પણ એને જન્મ સમયે ન તો ગોદડી મળી કે ન મળ્યો માં નો ખોળો.
બાળક હંમેશા વડીલોના સુરક્ષા કવચ નીચે પોતાના બાળપણને બિન્દાસ્ત રીતે માણતું હોય છે જ્યારે કૃષ્ણએ તો બાળપણમાં વડીલોને સુરક્ષા કવચ પુરુ પાડવું પડ્યુ હતું

પોતાની પ્રિય સખી રાધાને કાયમ માટે છોડવી પડી, ઋક્ષમણી સાથે લગ્ન ભાગીને કરવા પડ્યા, બહેન સુભદ્રાને પણ અર્જુન સાથે ભગાડીને જ પરણાવી પડી. ચોરી છુપીથી એકલો જ ચણા ખાઇ જાય એવો સુદામા જેવો થોડો સ્વાર્થી ભાઇબંધ મળ્યો, ફઇબાના દિકરાઓના ઝગડામાં અનેક પ્રકારના આક્ષેપો એમના પર મુકવામાં આવ્યા.

જન્મતાની સાથે જનેતા છોડવી પડી અને મોટા થતા જન્મભૂમી છોડીને છેક સૌરાષ્ટ્રમાં દ્વારીકા આવવું પડ્યુ , પોતાના જ પરિવારના સભ્યોને અંદરોઅંદર લડતા , ઝગડતા અને મરતા જોયા, અંતે એક પારધીએ બાણ માર્યુ ત્યારે પણ એ કેટલા તડપ્યા હશે ? કેટલા દુખી થયા હશે ?

જન્મથી મૃત્યું સુધી હંમેશા તકલીફમાં જ રહ્યા. આટલી બધી મુશ્કેલીઓ હોવા છતા કૃષ્ણએ ક્યારેય કોઇ ફરિયાદ નથી કરી. એને કોઇએ રડતા નથી જોયા હંમેશા આનંદમાં અને મસ્તીમાં જ જીવ્યા છે.

અને બીજી તરફ આપણે છીએ કે નાની- નાની સમસ્યાઓમાં પણ સતત રડ્યા જ કરીએ છીએ જાણે કે સમગ્ર દુનિયાનું દુખ ભગવાને આપણને જ આપ્યુ હોય ! ફરિયાદો કરવાનું બંધ કરીને જીવનને જીવવાનું ચાલું કરીએ... માત્ર શ્વાસ લેવો અને જીવવું એ બંને વચ્ચે બહું મોટો ફેર છે દોસ્તો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો