ઝૂકનારો જીતે
સમજવા જેવી સ્ટોરી અચૂક વાંચજો.
===================
સાગરને મળી રહેલી નદી આજે ખૂબ પ્રસન્ન હતી. સાગરે નદીને પ્રસન્નતાનું કારણ
પૂછ્યું. નદી કહે, ‘કેટલાંય વરસોથી વચ્ચે રહેલો એક પર્વત તને જલદી મળવામાં
મને અંતરાય કરતો હતો. એ પર્વતને મેં વર્ષો પછી આજે તોડી નાખ્યો ! ચારેય
બાજુ હું જાહેરાત કરતી આવી છું કે મારા રસ્તામાં જે કોઈ પણ અવરોધ કરશે તેના
આ પર્વત જેવા હાલ-બેહાલ થઈ જશે.’
સાગર હસ્યો, ‘બહેન ! એક કામ કરીશ ? આ એક બાજુ નેતરની સોટીઓ ઊગી છે તેમાંથી બે-ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ ?’
નદી તો ઊપડી નેતરની સોટી લેવા. ભારે જોશથી નેતર પર આક્રમણ કર્યું પણ નદી
જેવી નેતર પર કૂદી કે તરત જ નેતરે પોતાની કાયા નમાવી દીધી. નદીનું પાણી
રવાના થતાં નેતર વળી પાછું ઊભું થઈ ગયું. આ જોઈને નદી વધુ ગુસ્સે થઈ ગઈ.
બમણા જોશથી નેતર પર કૂદી પણ પરિણામ એનું એ જ ! આખો દિવસ નદીનાં આક્રમણો
ચાલુ રહ્યાં. નેતર ન તૂટ્યું ! હારી-થાકીને નદી સાગર પાસે આવી.
‘કેમ બહેન ! નેતર ક્યાં ?’
‘ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયું ? પર્વતને હું તોડી શકી પણ આ નેતરને મૂળમાંથી હચમચાવી પણ ન શકી !’
‘જો, આ રહ્યું તેનું કારણ ! પર્વતને તું તોડી શકી; કારણ કે તે અક્કડ હતો.
નેતરને તું તોડી ન શકી; કારણ કે તે નમી ગયું હતું ! આ દુનિયામાં પર્વતની
જેમ અક્કડ રહેનારાઓનાં પાણી ઉતારવાં સહેલાં છે; પરંતુ નેતરની જેમ સ્વયં નમી
જનારાનાં પાણી ઉતારવાં સહેલાં નથી !’ સાગરની આ વાત સાંભળી નદી મૌન થઈ ગઈ !
આધ્યાત્મિક જગતમાં આ વાત ખૂબ મહત્વની છે. અક્કડ રહેનારાઓ હારી ગયા છે અને
ઝૂકી જનારાઓ જીતી ગયા છે !
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો