visiter

બુધવાર, 9 ઑક્ટોબર, 2013

મારી વ્યક્તિ મને જ પ્રેમ કરતી હોવી જોઇએ


*******************************
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

માત્ર હૈયું જ ખોલવાનું છે, જીભ દ્વારા ક્યાં બોલવાનું છે?
ત્રાજવું લઈને કેમ આવ્યા છો? કોના હૈયાને તોલવાનું છે?
-ડો. એસ.એસ. રાહી

ગમે તેવો ગાઢ હોય તો પણ પ્રેમ ક્યારેય એકસરખો રહેતો નથી. પ્રેમ ક્યારેક અપ હોય છે, ક્યારેક ડાઉન હોય છે. પ્રેમ ક્યારેક ઘટ્ટ હોય છે, ક્યારેક પાતળો હોય છે. પ્રેમ ક્યારેક ઉગ્ર હોય છે, ક્યારેક શાંત હોય છે. પ્રેમ ક્યારેક તીવ્ર હોય છે, ક્યારેક શુષ્ક હોય છે. પ્રેમ અને લાગણી ક્યારેય એકસરખી રહેતી નથી, કારણ કે માણસ ક્યારેય એકસરખો હોતો નથી. દરેક પ્રેમીને એક વખત તો એવું થતું જ હોય છે કે હવે તું મને પહેલાં જેવો પ્રેમ કરતો નથી.

પ્રેમ માણસને પઝેસિવ બનાવી દે છે. મારી વ્યક્તિ મને જ પ્રેમ કરતી હોવી જોઈએ. હું એને ખૂબ જ પ્રેમ કરું છું એટલે એણે પણ મને અનહદ પ્રેમ જ કરવો જોઈએ. પ્રેમ ડિમાન્ડિંગ હોય છે. દરેક પ્રેમીને એમ જ થતું હોય છે કે મારા પ્રેમીનું 'સેન્ટર પોઈન્ટ' હું જ હોવી કે હોવો જોઈએ. કોઈ માણસ કોઈને ક્યારેય એક જ રીતે, એક પ્રમાણમાં અને એક જ સરખો પ્રેમ કરી શકતો નથી. માણસનું મન તરલ છે, એમાં ક્યારેક ઉભરો આવે છે અને ક્યારેક તળિયું દેખાઈ જાય છે.
અતિશય પ્રેમ માણસને શંકાશીલ બનાવી દે છે. તું આખો દિવસ શું કરે છે? કોને મળે છે? કોની સાથે વાત કરે છે? પઝેસિવ માણસ એવું પણ વિચારવા માંડે છે કે મારી વ્યક્તિ મારા સિવાય બીજા કોઈના વિચાર પણ ન કરે. આવું થઈ શકતું નથી અને એટલે જ પ્રેમના પતનની શરૂઆત થાય છે. પ્રેમમાં દરેક માણસે પઝેસિવ હોવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી પણ તમે તમારી પઝેસિવનેસ કેવી રીતે સમજો છો અને કેટલી ઠોકી બેસાડો છો એના ઉપર પ્રેમનો આધાર હોય છે.
એને છૂટો મૂકી દઉં તો તો એ મારા હાથમાં જ ન રહે, થોડીક તો નજર રાખવી જ પડે. જેને છૂટા નથી મૂકતા એ છટકી જતા હોય છે. શંકા અને શ્રદ્ધા વચ્ચે પ્રેમ હાલકડોલક થતો રહે છે. હમણાં બે પ્રેમીઓ વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. કારણ શું હતું? પ્રેમિકાની એક ફ્રેન્ડે તેનો ફોટો ફેસબુક પર અપલોડ કર્યો. છોકરાએ કમેન્ટ કરી કે, યુ લુક બ્યુટીફૂલ. આ વાતથી પ્રેમિકા નારાજ થઈ ગઈ. મારા સિવાય બીજું કોઈ બ્યુટીફૂલ લાગે જ કેવી રીતે? એ તને બ્યુટીફૂલ લાગે છે ને, તો રાખ દોસ્તી એની સાથે. કેવી નાની નાની બાબતોમાં આપણે જજમેન્ટલ બની જતા હોઈએ છીએ.
નારાજગી એક વાત હોય છે અને નફરત બીજી. હમણાંની વાત છે. એક મિત્રને એની પત્ની સાથે એક બાબતે ઝઘડો થયો. ઝઘડો લાંબો ચાલ્યો. પતિના મિત્રએ કહ્યું કે, કેમ હમણાં બરાબર નથી ચાલતું? પતિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેણે કહ્યું, ચાલ્યા રાખે. થઈ જશે. તેણે પછી સરસ વાત કરી. તેણે કહ્યું કે હું કેટલીય કંપનીઓના ચોપડા તપાસું છું. દરેક મહિનો સરખો નથી હોતો. ક્યારેક નફો હોય છે તો ક્યારેક ખોટ. પ્રેમનું પણ એવું જ હોય છે. હું વર્ષે નફાનો હિસાબ કાઢું છું. સરેરાશ કેવી છે? સરેરાશ સરખી હોવી જોઈએ. મને ખબર છે કે હું ખોટમાં નથી. દરેક સમય એકસરખો રહેતો નથી અને દરેક પ્રેમ પણ.
હમણાં એક સાઇકિયાટ્રિસ્ટે સંબંધ બાબતમાં સર્વે કર્યો. પ્રેમમાં ભરતી અને ઓટ શા માટે આવે છે? પ્રેમના અનેક પ્રકાર છે. માણસના સંબંધ અને લાગણી એકસરખાં હોતાં નથી. એક મિત્ર પ્રત્યે વધુ લાગણી હોય છે અને બીજા પ્રત્યે ઓછી. ઘણી વખત ઓછી લાગણી હોય તેને પણ આપણે વધુ મદદ કે પ્રેમ કરતા હોઈએ છીએ, કારણ કે જેને વધુ પ્રેમ કરીએ છીએ તેને મદદની જરૂર હોતી નથી. આવા સમયે એક મિત્ર એવું પણ માનવા લાગ્યો કે હવે મારા કરતાં એ તને વધુ વ્હાલો લાગે છે. પ્રેમી અને પતિ-પત્નીના પ્રેમમાં પણ વધઘટ થતી રહે છે. પ્રેમના અનેક માર્ગો હોય છે. અનેક મંઝિલ હોય છે. પતિ હોય કે પત્ની, બંનેને માતાપિતા હોય છે, ભાઈ-બહેન હોય છે, ક્લીગ હોય છે. ફ્રેન્ડ્સ હોય છે. પડોશી હોય છે. પ્રેમ વહેંચાતો રહે છે. આ વહેંચાતો પ્રેમ ઘણી વખત પ્રેમ માટે જ ઉપાધિરૂપ બનતો રહે છે.
માણસને એક જ વ્યક્તિ વહાલી હોય એવું હોતું નથી. હા, પ્રેમી કે પત્ની અથવા તો પ્રેમી કે પતિ પોતાને જ પ્રેમ કરે એવું દરેક ઇચ્છતા હોય છે. કોઈ વ્યક્તિને પોતાની વ્યક્તિ'શેર' કરવી ગમતી નથી. પ્રેમીઓ અને દંપતીઓ બીજાં અફેર ન કરે એ ચિંતા સમજી શકાય એવી છે પણ બીજા સંબંધોનું શું? તને તારા મિત્રો જ ગમે છે, મારી કંઈ પડી જ નથી. મિત્રો મળે એટલે તું મને ભૂલી જાય છે. પત્ની આવી ફરિયાદ કરતી રહે છે. તો પતિને પત્નીનાં પિયરિયાં'વ સાથે પ્રોબ્લેમ હોય છે. તારાં ભાઈ-બહેન આવે એટલે તને બીજું કંઈ જ યાદ રહેતું નથી.
પત્ની અને માતા વચ્ચે દરેક માણસ થોડો ઘણો તો પિસાતો જ હોય છે. મોટા ભાગના પુરુષોએ બંને તરફથી ટોણા સાંભળવા પડતા હોય છે. પત્નીએ ક્યારેક તો માવડિયો કહ્યો જ હોય છે અને મોટાભાગની માતા ક્યારેક તો એવું કહેતી જ હોય છે. બૈરી આવી પછી તું એનો થઈ ગયો છે. પુરુષને બંને પ્રત્યે લાગણી હોય છે. મજાની વાત એ હોય છે કે પત્ની અને માતા બંનેને પતિ અને દીકરા પ્રત્યે પ્રેમ હોય છે પણ બંનેની દાનત એવી જ હોય છે કે એ વ્યક્તિ માત્ર ને માત્ર મારા પ્રત્યે જ લાગણી રાખે. પુરુષ બેલેન્સ કરવામાં હાંફી રહેતો હોય છે. એક કો મનાઓ તો દુજા રૂઠ જાતા હૈ.
પ્રેમ માત્ર કરવાની ચીજ નથી, સમજવાની પણ ચીજ છે. તમે તમારી વ્યક્તિને એની રીતે એની સાથે જોડાયેલા લોકોને પ્રેમ કરવા દો છો? ના. મોટેભાગે આપણે એવું ઇચ્છતા હોઈએ છીએ કે આપણી વ્યક્તિ એની વ્યક્તિઓને આપણે ઇચ્છીએ એટલો જ પ્રેમ કરે. આનું આટલું જ રાખવાનું, આના માટે આટલું જ કરવાનું. એનાથી વધુ નહીં. એવું થતું નથી. જો એની સમજણ ન હોય તો પ્રોબ્લેમ થાય છે. અરે, સંતાનોને પણ એવું હોય છે કે, મારા ડેડીને મારા કરતાં બહેન પ્રત્યે વધુ લાગણી છે.
સંબંધો ઘણા હોય છે.થોડાક લોહીના હોય છે. થોડાક પારકા હોય છે. થોડાક સાવકા હોય છે અને થોડાક એવા હોય છે જેનાં કોઈ કારણો હોતાં નથી. એ બસ હોય છે. પ્રેમ પામવો હોય તો પ્રેમને માપવાનું છોડી દો. આપણે પ્રેમ માપતા રહીએ છીએ. પ્રેમની ટકાવારી નથી હોતી. પ્રેમ પર્સન્ટેજમાં થતો નથી. પત્નીને આટલા ટકા, દોસ્તને આટલા ટકા, બહેન માટે આટલા ટકા કે ભાઈ માટે આટલા ટકા એવું માપ નીકળતું નથી. પ્રેમ ક્યારેક દરેકમાં સેન્ટ પર્સન્ટ હોય છે અને ક્યારેક એ જ માઇનસ થઈ નફરતમાં પલટાઈ જતો હોય છે.
સૌથી સાચી વાત એ જ હોય છે કે એ માણસ કેવો છે? બધાંને પ્રેમ કરે એવો છે કે કોઈને પ્રેમ ન કરી શકે એવો? જે કોઈને પ્રેમ ન કરી શકતો હોય એ તમને પણ પ્રેમ નહીં કરી શકે અને જે બધાને પ્રેમ કરતો હશે એની પાસે તમારા માટે પણ પૂરતો પ્રેમ હશે. મને જ પ્રેમ કરે, મારા વિચારો જ કરે, મારામય જ રહે, મારા સિવાય એને કંઈ જ ન દેખાય એવું ઇચ્છવું ઘણી વખત જોખમી હોય છે. જો પ્રેમ હોય તો ઘણી વખત માણસ એવું પણ કરતો હોય છે. પણ એ એની અંદર બીજા પ્રેમનું ગળું ઘોંટતો હોય છે. એના પ્રેમમાં પ્રેમ હશે પણ હળવાશ નહીં હોય. સંબંધોમાં ભીનાશ અને હળવાશ વર્તાવી જોઈએ. પ્રેમને બાંધી ન રાખો. તમે કોઈ ફૂલ લઈ આવ્યા હોય, એ ફૂલ તમારું જ હોય છતાં તમે એવી અપેક્ષા ન રાખી શકો કે એ ફૂલની સુગંધ માત્ર તમને જ આવે. ફૂલની સુગંધ કાબૂમાં રાખવા જશો તો કદાચ એની સુગંધ તમને પણ નહીં આવે.
છેલ્લો સીન :
દુશ્મનને સરળતાથી ખતમ કરી દેવો છે? એને મિત્ર બનાવી દો.. -અજ્ઞાત

('સંદેશ', તા. 29 સપ્ટેમ્બર,2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, 'ચિંતનની પળે' કોલમ)
Like કરો , Comment કરો, POST ગમે તો Share

Gujarat nu Gaurav By Nandani Vijay

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો