visiter

બુધવાર, 4 ડિસેમ્બર, 2013

પ્રાર્થના ચિઠ્ઠી


*સાંઈરામ દવેની એક હ્રદય સ્પર્શી રચના રજુ કરૂ છુ અચુક વાંચવા જેવી છે* 
** પ્રાર્થના ચિઠ્ઠી **
(એક શિક્ષકની વેદના, એક બાળકની કલમે)
પ્રતિ,
શ્રી ભગવાન, ઈશ્વરભાઈ પરમાત્મા,
(શંખચક્રવાળા)
સ્વર્ગલોક, નર્કની સામે,
વાદળાની વચ્ચે,
મું. આકાશ.
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથ જણાવવાનું કે હું તારા ભવ્ય મંદીરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના સાતમા ધોરણમાં ભણું છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાના ઘરકામ કરવા જાય છે. 'હું શું કામ ભણુ છું એની મારા માબાપ ને ખબર નથી. કદાચ શિષ્યવ્રૂતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાથી મળે છે એટલે મારા માબાપ મને રોજ નિશાળે ધકેલે છે. ભગવાન, બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે. મારા સાહેબે કીધું'તું કે તું સાચી વાત જરૂર સાંભળે છે...!
પ્રશ્ન-1— હું રોજ સાંજે તારા મંદીરે આવુ છું અને નિયમિત સવારે નિશાળે જાઉં છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદીરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુંય કેમ નથી?...દર ચોમાસે પાણી ટપકે છે. આ મને સમજાતું નથી...!

પ્રશ્ન-2— તને રોજ બત્રીસ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતોય નથી... અને હું દરરોજ બપોરે મદયાહન ભોજનના એક મુઠી ભાતથી ભૂખ્યો ઘરે જાંઉં છું...! આવું કેમ...?

પ્રશ્ન-3— મારી નાની બેનનાં ફાટેલાં ફ્રોક ઉપર કોઈ થીગડુય મારતું નથી અને તારા નવાં-નવાં પચરંગી વાઘા! સાચુ કહું ભગવાન હું રોજ તને નહીં તારા કપડા જોવા આવું છું...!

પ્રશ્ન-4— તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને 15મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજુ કરું છું ત્યારે સામે હોય છે માત્ર મારા શિક્ષકો.....ને બાળકો...હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય ''મારા મંદિરે'' કેમ ડોકાતા નથી....!

પ્રશ્ન-5— તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવસ્ટાર હોટલ જેવું મંદિર છે ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ! મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો, તો'ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ, તો'ય અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી....?

શક્ય હોય તો પાંચેય ના જવાબ આપજે... મને વાર્ષિક પરિક્ષામાં કામ લાગે...! ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માબાપ પાસે ફી ના કે ટ્યુશનના પૈસા નથી.. તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું.... વિચારીને કે'જે....! હું જાણું છું તારે'ય ઘણાયને પૂછવું પડે એમ છે.
પરંતુ સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા પેલાં જો તું મારામાં દયાન નહીં આપે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના રૂ.5 ના ભવ્ય પગારથી નોકરીએ રાખી દે શે...! ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ....પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ....!
જલ્દી કરજે ભગવાન.... સમય બહુ ઓછો છે' તારી પાસે....અને મારી પાસે પણ.....!
લી. એક સરકારી
શાળાનો ગરીબ વિધ્યાર્થી
અથવા
ભારતના એક ભાવિ
મજૂરના વંદે માતરમ્....
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)ં
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો