visiter

સોમવાર, 5 નવેમ્બર, 2012

જાણો, અમેરિકી પ્રમુખપદની ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં તમામ અન્ય દેશની જેમ માત્ર અમેરિકન નાગરિક જ મતદાન કરી શકે છે, પરંતુ આખી દુનિયા પર પડતા તેના દૂરગામી પ્રભાવને કારણે વિશ્વભરની નજર આ ચૂંટણી પર મંડાયેલી હોય છે. અમેરિકન રાજકારણને સમજવાની પરખ ધરાવતા નિષ્ણાતોની દૃષ્ટિએ પ્રમુખપદની ચૂંટણી વર્ષોથી માત્ર બે પાર્ટી ડેમોક્રેટિક અને રિપબ્લિકની આસપાસ ફરતી રહે છે, પરંતુ ત્યાં ચૂંટણી પ્રક્રિયા ગૂંચવી દે તેવી છે, જે પ્રાઇમરી, કન્વેન્શન, અર્લી પોલ અને ઇનોગરેશન સુધી ફેલાયેલી છે. આ પ્રક્રિયા પ્રમુખપદની ચૂંટણીની નિર્ધારિત તારીખનાં બે વર્ષ પહેલેથી શરૃ થઈ જાય છે
અમેરિકન પ્રમુખપદની ચૂંટણી બે તબક્કામાં વહેંચાયેલી છે - પ્રાઇમરી અને સામાન્ય ચૂંટણી
ઇલેક્ટરોલ કોલેજ શું છે?
અમેરિકન પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સીધી લોકોનાં મતદાન કરવાથી થતી નથી, પરંતુ મતદાતા તેમના મત ઇલેક્ટર્સને આપે છે. ઇલેક્ટર્સ યુએસ ઇલેક્ટરોલ કોલેજના હોય છે. ઇલેક્ટરોલ કોલેજમાં પસંદગી પામેલા ૫૩૮ પ્રતિનિધિ હોય છે, જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે.
(૧) બંને પાર્ટી અલગ અલગ રાજ્યોમાં પ્રાઇમરી ચૂંટણી કરી પ્રમુખપદ માટે પોતાનો પ્રબળ દાવેદાર ચૂંટે છે, જોકે અમેરિકામાં કોઈ ઉમેદવાર પ્રમુખપદ માટે બેથી વધુ વખત ચૂંટણી લડી શકતો નથી.
(૨) પ્રમુખ બરાક ઓબામા આ વખતે ફરી ચૂંટણી લડતા હોવાથી તેમની પાર્ટી તરફથી કોઈ પ્રાઇમરી ચૂંટણી થઈ નહોતી, પરંતુ રિપબ્લિકન પાર્ટીની પ્રાઇમરી ચૂંટણી થઈ હતી, જેમાં મિટ રોમ્ની પાર્ટીના સૌથી પ્રબળ દાવેદાર તરીકે ચૂંટાયા હતા.
(૩) દેશમાં પ્રાઇમરી ચૂંટણી છ મહિના સુધી ચાલે છે અને તે મુજબ ત્રીજી જાન્યુઆરીએ સૌપ્રથમ આયોવા રાજ્યમાં પ્રાઇમરી ચૂંટણીની પ્રક્રિયા શરૃ થઈ હતી, જે ૨૬મી જૂને સૌથી અંતમાં ઉતાહ રાજ્યમાં પૂરી થઈ હતી.
(૪) અમેરિકામાં બે મુખ્ય રાજકીય પક્ષ છે : ડેમોક્રેટિક અને રિપબ્લિક. ૧૮૬૯થી અમેરિકાના પ્રમુખ આ બંને મુખ્ય પાર્ટીના જ રહ્યા છે. કોંગ્રેસની ૫૩૫ બેઠકમાંથી ૫૩૩ બેઠક પર આ બંને પાર્ટીનો જ કબજો છે. હાલ સીનેટમાં ડેમોક્રેટ્સ અને પ્રતિનિધિ સભામાં રિપબ્લિકનનો કબજો છે.
(૫) પ્રાઇમરી ચૂંટણી પછી મુખ્ય રાજકીય પક્ષો પોતપોતાના કન્વેન્શન (સભા)નું આયોજન કરે છે, જેમાં પક્ષ પ્રમુખપદ માટે તેના સત્તાવાર ઉમેદવારનો નિર્ણય લે છે.
(૬) ત્યારપછી ઉમેદવારનું નસીબ ૫૩૮ સભ્યના ઇલેક્ટરોલ કોલેજના હાથમાં જતું રહે છે, જે પ્રમુખ અને ઉપપ્રમુખપદના ઉમેદવારની પસંદગી કરે છે. વસ્તીને આધારે દરેક રાજ્ય (સ્વિંગ સ્ટેટ)ને કેટલાક વોટની ફાળવણી કરવામાં આવી છે. એટલે કે વધુ વસ્તી ધરાવતાં રાજ્ય પાસે વધુ વોટ હશે. સૌથી વધુ વસ્તી કેલિર્ફોિનયા રાજ્યમાં છે, તેની પાસે ૫૫ વોટ છે. જ્યારે સૌથી ઓછી વસતી ધરાવતા વ્યોમિંગ પાસે ત્રણ વોટ છે.
(૭) દરેક ઇલેક્ટર્સ એક મત પ્રમુખ અને એક મત ઉપપ્રમુખને આપી શકે છે. બહુમતી માટે ૨૭૦ મત જરૃરી છે. જો બહુમત ન મળે તો, આ ચૂંટણીનું પરિણામ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવને સોંપી દેવામાં આવે છે. અમેરિકામાં ૪૮ રાજ્ય તથા કોલમ્બિયા જિલ્લામાં 'વિનર ટેક ઓલ પોપ્યુલર વોટ' નિયમ અપનાવે છે. એટલે કે પોપ્યુલર વોટ (લોકપ્રિય મત) જેને વધુ મળ્યા હોય તેને વિજેતા જાહેર કરાય છે.
(૮) જે ઉમેદવારને સૌથી વધુ મત મળે છે તે એ રાજ્યના દરેક ઇલેક્ટરનું સમર્થન મેળવે છે. બે અન્ય રાજ્ય મેની તથા નેબાર્સકામાં જિલ્લા અનુસાર અને રાજ્યવાર અલગ અલગ ચૂંટણી થાય છે. આમ અમેરિકન પ્રમુખની ચૂંટણી એટલે કે ૫૧ (પ૦ રાજ્ય તથા એક કોલમ્બિયા જિલ્લો) અલગ અલગ એકસાથે યોજાનારી ચૂંટણી છે.
(૯) એવું પણ બને છે કે, જે વિજેતા બને તેમને લોકપ્રિય મત ન પણ મળ્યા હોય. તેમ છતાં તે પ્રમુખ બને છે. અમેરિકામાં ચૂંટણી વ્યવસ્થા સુધારા માટે ઇલેક્ટરોલ કોલેજને હટાવીને સીધું લોકો દ્વારા મત કરવાનું સૂચન ઘણી વાર સૂચવવામાં આવ્યાં છે, પરંતુ બંને સદનમાં તે ક્યારેય પાસ થઈ શક્યા નથી. મતદાન કરવા માટે પહેલા નાગરિકોએ તેમનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે તથા મતદાનની તારીખે મત આપવા આવવું પડે છે.
(૧૦) છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોવા મળ્યું છે કે, અમેરિકામાં મતદાનના દિવસે ઓછા લોકો મત આપવા જાય છે, જ્યારે રજિસ્ટ્રેશન કરાવનારાઓની સંખ્યા વધુ હોય છે. ૧૯૬૦થી જોઈએ તો જાણવા મળશે કે ૬૩.૦૬ ટકા અમેરિકન્સે મત આપ્યા હતા. તે ૪૪ વર્ષોમાં સૌથી વધુ હતાં. ત્યાર પછી તેમાં સતત સરેરાશ ઘટાડો નોંધાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો