visiter

રવિવાર, 7 એપ્રિલ, 2013

નવલા યુગે - દીકરી( ટૂંકી વાર્તા.)



શબ્દસૃષ્ટિ જુલાઈ ૨૦૦૯ –મીનાક્ષી ચંદારાણા

કહેને મને, અંધારાના અવાજો સાંભળ્યા છે કદી તેં! આ નિબિડ, ઘન અંધકાર હંમેશા એક પ્રકારનો સાઉન્ડ પેદા કરે છે. મને સંભળાય છે આ ઘોર અંધારાનો એ સાઉન્ડ. તબડક… તબડક… તબડક… ઘોડાની ખરીઓના અવાજ… અને એ અવાજને સૂંઘતી-સૂંઘતી આગળ વધુ છું તો દેખાય છે ઘોડા પર અસવાર ઘોડેસવારોના ઝનૂનભર્યા ચહેરા, અને લાગે છે કે હમણાં વીંધી નાખશે મને એમના હાથના ભાલાની અણિઓ!

ક્યારેક આ અંધકાર દંશ દેતા વિષધારી સાપની જેમ એક ઝીણી-તીણી સી…સ કરતી સીટી વગાડે છે.

ક્યારેક-ક્યારેક ઘૂઘવતા સમુદ્રના અને ખડક પર પછડાતાં મોજાંના સંયોજિત અવાજ પોકારે છે મને કૂદી પડવા માટે. અને મને સંભળાય છે ખારવાઓના ઉલ્લાસ ભર્યા હેઇસો-હેઇસો અવાજ… ખારવણોનાં મીઠાં ગીતો, મજાક, લાવણી, કલબલ, કલરવ, ઉત્સાહ…

હા, ક્યારેક તો વળી એકદમ ચોખ્ખી રણકતી ઘંટડીઓ સાંભળી છે મેં, નહીં શું વળી! દીદી રિસાણી હોય અને ધબ-ધબ કરતી ચાલતી હોય, ત્યારે કેવા સરસ અવાજ આવે છે… ધબ… છનન… ધબ… છનન… ધબ… છનન…! બહુ ગમ્મત પડે છે મને હોં!

પણ એક ખાસ અવાજ છે, જે મને સૌથી વધારે ગમે છે. એ અવાજ છે તારી ધડકનનો અવાજ… તારા ધબકતા હદયના ધબકારાનો અવાજ… વાહ!

અને એક બીજી વાત કહું તને, સૂનકારના અજવાળાની! ચોતરફ, દસે દિશામાં… ઉપર-નીચે… ચારે ખૂણે… બધે સૂનકાર છવાયેલો ભાસતો હોય ત્યારે… રંગો કેવા ચટકીલા બની જાય છે, નહીં!

આ સૂનકારની આરપાર વર્તાય છે મને! પેલા પોપટનું લીલું-લીલું સીતારામ, પતંગિયાં અને ફલોની લાલ-પીળી-કેસરી-ભૂરી-ભાતીલી રોશની… સૂરજના ફૂટતાં કિરણોનો ઝળહળાટ… ચાંદાએ ઉમંગથી ઢોળેલા દૂધમાં ન્હાતા-ન્હાતા મનમાં જાગતો દૃઢ, શ્વેત, ધવલ વિશ્વાસ…

કહેને મા, કેમ નથી વર્તાતો મને તારા હૈયાના હેતનો એ ઉજમાળો રંગ…! કેમ નથી હું પામી શકતી તારા ઉલ્લાસની એ મીઠી સુખડી જેવી સુગંધ…! કેમ તારા હોઠ ગણગણતા નથી એ ઘેનગૂંથ્યાં હાલરડાં…!

તને ખબર છે… હું તો તારા પર નિમાયેલી જાસૂસ છું! તારા એક-એક દુઃખ-સુખની, તારા આંસુની, તારા સ્મિતની; તારા મુક્ત હાસ્યની, તારા ઉદ્વેગની; તારા જીવ બાળવાની, તારી ચિંતાઓની; તારા ઝીણામાં ઝીણા હલનચલનની; તારી કાચની બંગડીઓના રણકારની, તારા ઝાંઝરના ઝનકારની; તારા સેંથાના સિંદૂરના ટહુકારની, તારા લલાટે શોભતા લાલ ચાંદલાના તેજની; અને… તારી કેડે લટકતા મોંઘા-રૂપાના, ચાવીના એ જુઠ્ઠા ઝૂડાની ઘૂઘરીઓના બોદા, દબાયેલા અવાજની… બધ્ધાંની મૂક સાક્ષી હું!

બોલ, છે ઝૂડામાં એક પણ ચાવી, કે જેનાથી તું તારા કોયડાઘરના તાળાને ખોલી શકે? તારી સાચવીને મૂકેલી લગ્નની સાડીઓની ગંધમાં છે એ તાકાત, કે જડ હૃદયોને જરા… ભીનાં કરી શકે?

બોલ મા બોલ! નથી સહેવાતો મારાથી તારો આ મ્લાન, મૂરઝાયેલો ચહેરો! નથી સહેવાતું તારું આ રીતે ઘરકામને વેંઢારવું-નિપટાવવું! નથી તારા પગમાં જોમ, નથી તારા હાથમાં હૂંફ!

પહેલાં તો તું પેટ પર હાથ મૂકતી’તી, તો મારા ડિલે કેવી હૂંફ વરતાતી’તી! ગર્ભજળના ઘટ્ટ પડળને વીંધીને તારા હાથની એ ઉષ્મા મારા અસીમ એકાંતને આવકારાથી ઝળહળાં કરી દેતી’તી!

મને સાચવી-સાચવીને તું નવરાત્રિમાં ગરબે ઘૂમતી’તી. તને શું એમ છે કે તું એકલી પગેથી ઠેસ આપતી’તી! તને એમ છે કે તું એકલી ચપટી વગાડતી’તી! તને એમ છે કે તું એકલી તાળી આપતી’તી! મા, મારું રોમ-રોમ તારા હરખે હરખાતું’તું. તારી તાળીએ તાલ આપતું’તું. તારા મીઠા-ભીના રાગના પડછંદા આપતું’તું. તારી સાથે મેં ત્રણ તાળીના ગરબા ગાયા, બે તાળીના ગરબા ગાયા. ચલતી પણ લીધી. તું તો ખૂબ થાકી ગઈ, પણ સાચું કહું? મને બહુ મજા આવી ગઈ! તને ગરબે ઘૂમતી જોઈને પપ્પા ખુશ થઈ ગયા હતા, અને ઘરે આવીને તને વળગી પડયા હતાને! ત્યારે એ બધું જ મને દેખાતું હતું. શું મજા પડી’તી મને! ત્યારે તો થયેલું, કે બસ અત્યારે જ હાથ-પગ ધુમાવીને બહાર નીકળી જઉં! આવી જઉં તારી છાતીએ વળગવા! પણ ત્યારે ક્યાં તાકાત હતી હાથ-પગમાં! અરે હજુ પણ ક્યાં છે?

બાકી તું ભલે વ્હેમમાં હોય, કે મને કશી ખબર નથી! મને તો બધી જ ખબર છે! તને તો એમ છે કે એકલો અભિમન્યુ જ અંદર બેઠો બધું ઝીલતો હશે! પણ એ તારો વ્હેમ છે મા!

પૂછ મને, તો હમણાં જ કહી દઉં, છેલ્લે આપણે… એટલે કે તું, તમે બધાં, તું, પપ્પા, દાદા-દાદી, બધાં… અને હું પણ… ડૉક્ટર પાસે ગયેલાં, ત્યારે ડૉકટરે શું કહેલું તે…! ‘હવે પાડવામાં જોખમ છે. તમારા જીવનું જોખમ… તમે બહુ સમય લગાડી દીધો નક્કી કરવામાં. ઘરવાળાની વાત પહેલાં માની ગયાં હોત… હવે કશું ન થઈ શકે…”

એ પછી આપણે ઘરે પહોંચ્યાં, કે તરત જ પપ્પાએ તને ગાલ પર જોરદાર લપડાક લગાવી દીધી. તારા સોળ ઊઠેલા ચહેરા પર હાથ પસવારવાવાળું તો કોણ હોય ત્યાં! પણ તું રડતી-રડતી જેવી અંદરના રૂમમાં ગઈ, કે તરત મારી બંને દીદી તને વળગીને ખૂબ રડી. તેં પણ એમની જોડે હૈયું ઠલવી લીધું. દાદા-દાદી મોં ચડાવી બેસી રહ્યાં. તેં રડતાં હૃદયે રસોઈ બનાવી બધાંને જમાડયાં. તેં કશું ન ખાધું. મા, ખબર છે, હુંય ભૂખથી કેવી ચોડવાઈ ગઈ હતી!? મને યાદ છે મા! ને મને એ પણ યાદ છે કે એ વખતે તેં તારી બે આંસુ ભરેલી આંખ અને ત્રીજી અમિયલ આંખથી, એમ ત્રણ આંખે મારી સામે જોયું. પેટ પર તેં તારા બે હૂંફાળા હાથ ઘડીભર મૂક્યા… અને દૂધ રોટલી ખાઈને થાકી-પાકી રડતી-રડતી તું સૂઈ ગઈ. મા, તને તો તરત જ ઊંઘ આવી ગઈ હતી! પણ મારી મા, હું તો એ રાતે જરા વાર પણ ન સૂઈ શકી. આખી રાત વિચાર કરતી રહી, અને નક્કી કરતી રહી, કે બહાર આવું પછી તારું ખૂબ ધ્યાન રાખીશ. તને જરીકેય નહીં પજવું! કોઈ દિવસ નહીં રડું! જલદી જલદી મોટી થઈ જઈશ! તું ભણાવીશ તો ભણીશ, નહીં ભણાવ તો નહીં ભણું! તને ઘરકામમાં મદદ કરીશ. તું પહેરાવે તે પહેરીશ. નોકરી કરીશ. મા તું ચિંતા ના કરીશ! પરમ દિવસે બાજુવાળાં વિજયામાસી બેસવા આવ્યાંયા ત્યારે તુવેર ફોલતી-ફોલતી તું જ વિજયામાસીને ન્હોતી કહેતી, કે સૌ પોતાનું નસીબ લઈને આવે છે! ત્‍યારે તો કેવી નિરાંતવી બેઠી’તી! અને મને પણ કેવી હોંશે-હોંશે તે તુવેરના કૂંણા-કૂંણા દાણા ખવડાવ્યા’તા! યાદ છેને! મને તો બધું જ યાદ છે!

*

ઓ મા… શાના અવાજો આવે છે આટલા બધા! અરે પપ્પા, કેમ ઘાંટા પાડો છો આટલા બધા? મમ્મીએ કંઈ ગુનો કર્યો છે!? અરે આમ પટ્ટો લઈને તે કંઈ મમ્મીને મરાતી હશે! દાદા-દાદી તમે બોલવાનું બંધ કરો હવે… કાનના કીડા ખરી જાય એવી ગાળો બોલતા શરમ નથી આવતી તમને? અને ફોઈ તારા મોં પર તો થૂંકું છું હું અહીં અંદર બેઠી-બેઠી… હું તો ત્રીજા નંબરની… પણ તું… તું તો નંબર પાંચ… મારા બાપની પાંચમી બહેન… અને મારા દાદાની પાંચમી દીકરી… તું જ મરને! છેવટે ઢાંકણીમાં પાણી લઈને તો ડૂબી મર! અને કાકી, તમારા જોડિયા દીકરાને લઈને તમે આ ટાણે તમારા બેડરૂમમાં ભરાઈ ગયા છો!? તમારી સહિયર જેવી મારી માને અટાણે એકલી મૂકી દીધીને!?

મા, તું શાંત થઈ જા! આ બે-ત્રણ મહીના… જે થાય તે ખમી ખા! મને જરી મોટી થવા દે. તારા મોં પર સુખની, ને સંતોષની લાલી નહીં જોઉં, ત્યાં સુધી મનેય સુખ અગરાજ, મા! થોડી ધીરી થા. રડીશ નહીં, અરે મા! આમ હીબકા ભર્યે શું વળશે? એમ કર, છોડ આ ઘર. ચાલ, જતાં રહીએ કોઈક એવી જગ્યાએ, જયાં આપણને એક થોડો સમય આશરો મળે. કોઈ નારી સંસ્થામાં!? હિંમત બતાવ મા. તું નથી કમાતી તો શું થયું? જેમ તને પપ્પાની જરૂર લાગે છે, એમ પપ્પાને પણ તારી જરૂર છે જ! તારા અંતરના અમીથી રંધાયેલ અન્ન એને બીજે ક્યાં મળવાનાં, મા! તારા જતનથી જળવાયેલું ઘર ઘડીભર છોડ, મા! સહુની સાન ઠેકાણે આવશે. બતાવ હિંમત… આ પાર કે પેલે પાર…!

*

અરેરે મા! હું કહું છું આ પાર કે પેલે પાર, ત્યારે મરવાની વાત થોડી કરું છું હું ? હું તો માનભેર જીવવાની વાત કરું છું! તું આમ ગભરાઈને જીવ આપી દેવાની વાત કરે એ કેમ ચાલે? મને બચાવવા તેં આ તાયફો કર્યો, અને હવે તું હાર કબૂલી જઈશ, તો ભેગું મારે નહીં મરવું પડે? તું સળગીશ તો હું નથી બળવાની? તું ફાંસો ખાઈશ તો મારો શ્વાસ નથી રૂંધાવાનો? તું પાટા પર કપાઈશ, તો મારા પણ ટુકડા નહીં થઈ જાય? મારી સામે જો, મા…! હું તો તારી વ્હાલી-વ્હાલી મુન્ની! પપ્પામાં તો બુદ્ધિ નથી, પણ તને કંઈ થાય, તો પછી પપ્પાનું કોણ, એ તું તો વિચાર કર! તારા વિના એ બહુ મૂંઝાશે. અને મારી બંને દીદી નમાયી ન થઈ જાય!? એય દીકરીની જાત છે. એની શી દશા થશે તારા વગર!

ના મા, હું તને મરવા નહીં દઉં. ક્યારેય નહીં! કોઈ કાળે નહીં. કોઈ સંજોગોમાં નહીં! મા, તારા ભગવાનને બોલાવ. તારી બહેનપણીને વાત કર. પિયરનાં બારણાં ખખડાવ. થોડો સમય કાઢી નાખ. તું આમ રડયા કરે છે, તો મને એમ થાય છે કે હું તારે પેટ ન પડી હોત તો કેટલું સારું હતું! મારા લીધે તું દુઃખી-દુઃખી થઈ ગઈ! આ મારા અસ્તિત્વે તને બહુ દુઃખ આપ્યું! ચાલ મા હું જ કંઈક કરું.

લે આ નાળ વીંટાળી ગળે..! આ એક ગોથું! આ બીજું! અરે મારા હાથની મુઠ્ઠીઓ… તમે ખૂલી જાવ… ખૂલી જાવ તમે… પકડો આ નાળને… અને ખેંચો… ખેંચો… ખેંચો… હજુ ખેંચો… બસ… હવે જરાક જ કસર છે… લગાવો જોર… ખેંચો…

અરે હા મા! ભૂલી ગઈ હું તો! પપ્પાને પણ મારી યાદ આપજે. જેવા હોય એવા… પણ મારા તો પપ્પાને! તારે લીધે મનેય પપ્પા જોડે બહુ માયા બંધાઈ ગઈ… કહેજે, કે મારે ખુ…બ રમવું’તું મારા પપ્પા સાથે… કહેજે, કે મારે ખભેખભા મિલાવીને ઊભા રહેવું’તું મારા પપ્પાની બાજુમાં. કહેજે કે…

અલવિદા… મા. મારી પ્યારી મા… મળીશું કોઈક નવલા યુગે… ત્યાં સુધી અલવિદા…

* * *

-- મીનાક્ષી-અશ્વિન ચંદારાણા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો