visiter

રવિવાર, 7 એપ્રિલ, 2013

મા-બાપ વગરની દીકરી

મા-બાપ વગરની દીકરી એટલે મધદરિયે નાખુદા વિના ઝોલા ખાતી નાવ!

એવી નાવ ને ન તો કોઇ કિનારો ન તો મંઝિલ!
બસ, ફક્ત એના નસીબમાં લખાય જાય છેઃ
બીજાના હોઠો પરથી છુટતા હુકમનો અમલ કરવાની,
કયારેય ખત્મ ન થાય એવી ભિષણ લાચારી!

દીકરી અને ગાય દોરે ત્યાં જાય! — એ જુના જમાનાની ઉક્તિ મા-બાપ વગરની દીકરીને શત-પ્રતિશત લાગુ પડે!
ગાય તો હવે દોરે ત્યાં જતી નથી! એને ફાવે ત્યાં એ જતી થઇ ગઇ છે! પણ, મા-બાપ વગરની દીકરીનું નસીબ એવું બુલંદ હોતું નથી! એ જયાં રહે છે ત્યાંનું સઘળુ કામ એના માથા પર તાજની જેમ મઢી દેવામાં આવે છે!

ઘરની દીકરી આરામ ફરમાવે અને મા-બાપ વિનાની આ દીકરી સઘળું કામ કરતી રહે એવું સગ્ગી આંખે જોયું છે! ભીતર દર્દની ટીસ ઊઠે પણ, હસ્તક્ષેપ ન કરી શકવાની બંધિયાર લાચારી દર્દને ફક્ત વજનદાર કરવાનું કામ કરે છે!

જેને મા-બાપ છ છ મહિનાના અંતરે ગુજરી ગયા હોય, દાદા-દાદી માટે ઊંબરાનો પત્થર બની ગઇ હોય, ભાઇ માટે એ હોય જમીન પરનો બોજ… એવી અઢાર વર્ષીય છોકરી જાય તો પણ કયાં જાય ? અને રિશ્તાની શરમે જાય તો પણ કરવાનું શું એણે ? ફકત કામ…કામ… અને કામ જ ને ? સવારથી સાંજ સુધી કામ કરતી સદાય હસતી રહેતી એ છોકરીને શું થાક નહીં લાગતો હોય ?

દરામણથી માંડીને ભર બપોરે ઘરે આવેલા મહેમાન માટે ઠંડુ પીણું લઇ આવવાની જવાબદારી પણ બખૂબી નિભાવવાની એણે! એ નિભાવ્યા પછી બિરદાવવાની વાત તો દૂર પણ કશુંક શરત-ચૂકથી રહી ગયુ હોય તો આંગળી ચીંધીને સીધુ જ બતાવવાનું! આ કામ જો રહી ગયુ ને ? આ તારે જ કરવાનું! ઘર તારૂં છે! આ જવાબદારી પણ તારી!

“ના” પાડવાનો, નખરા કરવાનો, જીદ કરવાનો તો કોઇ સવાલ જ ઉપસ્થિત થતો નથી! ફકત “હા” અને એ પણ સસ્મિત! એ માટે ભીતર, વલોવાતા જીગરમાંથી ઉદ્દભવતાં દર્દને છુપાવવા સારૂં કલેજુ કેટલુ કઠણ કરવું પડે ?

એ છોકરીના ચહેરા પર આવતા સ્મિતની પછવાડે ખામોશ ઊભેલાં ભોળપણ ને રડતાં જોયુ છે મેં! એ ઇશ્વરદત્ત માસુમ ખૂબસુરત ચહેરો! એ ચહેરાને રડવાની છુટ નથી! એ ચહેરાને સમાજની કડવી વાસ્તિવકતાએ બક્ષી દીધું છેઃ સ્મિત! એ સ્મિતના સહારે એ માસુમ છોકરી જિંદગી તરી જશે ? કે પછી… મધદરિયે નાખુદા વિના ઝોલા ખાતી નાવ ની જેમ જ…. એવું કશું જ ન બને એની કષ્‍ટદાયક જિંદગીમાં— ઇચ્‍છી લઉં છું.

—નજરે દેખાય એ જ હકીકત નથી હોતી! કયારેક ન દેખાય એ વાસ્તવિકતા વધુ કટુ, પીડાદાયક હોય છે! એવી ન દેખાતી પીડા સાથેનો અદ્રશ્ય ઝખ્‍મી રિશ્તો બંધાતો જાય છે!

-- અજ્ઞાત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો