મમતા અને વાત્સલ્યની મૂરત ‘ માં ‘ ની કૂખ માંથી આક્રંદ કરતો દીકરીનો દર્દ ભર્યો પત્ર
મારી વ્હાલી પૂજ્ય માં,
જણાવવાનું કે તું ઘરે આવી ગઈ હશે, તારી તબિયતની મને ચિંતા થાય છે. હવે તારી તબિયત સારી હશે.વ્હાલી મમ્મી, તારી કુખેમારો અંશ રહ્યો ત્યારથી મને વાત્સલ્યથીઉભરતો ‘ માં ‘ નો ચહેરો જોવાની ઝંખના હતી.મમ્મી, મારા ગાલ તારી એક વ્હાલભરી ચૂમી માટે તલસતા હતા. મારે મારી જનેતાના હાથમાં ફૂલ થઈને ખીલવું હતું. મારી માનોખોળો ખૂંદવો હતો. મમ્મી, મારે તારા આંગણે પા-પા પગલી પાડવી હતી. અને આપણા ઘરને કિલ્લોલથી ભરી દેવું હતું. મમ્મી, મને તારું હાલરડું સાંભળતા સાંભળતા ઊંઘવાની તીવ્ર ઝંખના હતી.
કુદરતે મને તારો દીકરો બનાવ્યો હોત તો તને કંઈ વાંધો ન હતો ! પણ મમ્મી, તને તો કુદરતનો ન્યાય મંજૂર ન હતો. તને તો કમાઉ દીકરાની ઝંખના હતી ને ! તારે તો ભવિષ્યમાં સંપત્તિથી ઘર ભરી દેવું હતુંને ?
મમ્મી, તારે કોઈ પારકી થાપણ ઉછેરવી નહોતી, તને તારી છાતીમાં ઉભરાતા ધાવણનું કોઈ મૂલ્ય જ ન હતું. એટલે જ તો મમ્મી, તે દવાખાને જઈને મારાથી છુટકારો મેળવી હાશકારો અનુભવ્યો હશે. પણ મમ્મી, ડોકટરના ચીપીયા ખાઈ-ખાઈને તારું આ ફૂલ આક્રંદ કરતુ-કરતુ તરફડતું હતું. મને હતું કે મારી મમ્મી મારી વ્હારે આવશે, મારા પપ્પા મારી મદદે આવશે. પણ કદાચ તમોને દયા નહિ આવી હોય, પણ મમ્મી ઈશ્વરને દયા આવી ગઈ અને મારું ધબકતું હૈયું ફટ દઈને ફાટી ગયું અને મને તરત જ પ્રભુએ ઉપર બોલાવી લીધી.
મમ્મી, તું પણ દીકરી થઈને કોઈ માની કૂખે અવતરેલી એ વાત કેમ ભૂલી ગઈ ? બીજું તો ઠીક છે પણ તારા પેટને મારા મોતનો કૂવો બનાવતા તને જરાયે દયા ન આવી ?
મમ્મી, હવે ભઈલો જયારે જન્મ લે ત્યારે તેને દીદીની મીઠી મધુર યાદ આપજે, રક્ષાબંધનના દિવસે મને યાદ કરીને ભઇલાને મારા આશીર્વાદ આપજે. પપ્પાને હાર્ટની બીમારી છે એમને તું બરાબર સાચવજે. અને સમય પર દવા ખવડાવજે. મમ્મી, મારો આ પત્ર વાંચીને ફાડીને ફેંકી દઈશ નહિ. શક્ય હોય તો આ પત્ર શિક્ષિત તથા બુદ્ધિશાળી એવા આપણા સમાજ સુધી પહોચાડજે જેથી, આ સમાજમાં કદાચ કોઈને દયા આવે મારા જેવી દશા બીજી દીકરીની ના થાય……..
બસ મારી આટલી ઈચ્છા પૂરી કરવા વિનંતી…….
મમ્મી, મારે બીજી કૂખે જન્મ લેવા જવાની ઉતાવળ છે એટલે નીકળું છું.
લિ. તારી જનમ્યા વગરની લાડલી દીકરી !!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો