visiter

રવિવાર, 21 ઑક્ટોબર, 2012

દેશની અડધી વસતીનાં હાડકાં ખોખલાં થશે


ભારતમાં હાલ ૩૦ કરોડ લોકો ઓસ્ટીઓપોરોસીસ બીમારીથી પીડાય છે
શરીરનાં હાડકાં સામાન્ય કરતાં વધુ ખોખલાં થવાની અથવા તેની ઘનતા ઓછી થવાની સ્થિતિ એટલે કે ઓસ્ટિયોપાઇરોસિસથી પીડાતાં લોકોની સંખ્યા આગામી દશકમાં દેશની કુલ વસતીથી અડધી થઈ જશે તેમ એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. અસ્થિ પેશીઓનાં બંધારણમાં સૂક્ષ્મ ખરાબીથી થતું હાડકાનું બરડપણું તેની લાક્ષણિકતા છે. શનિવારે ચેન્નાઈ, અમદાવાદ સહિત દેશનાં અલગ અલગ શહેરમાં વિશ્વ ઓસ્ટિયોપાઇરોસિસ દિવસની ઉજવણી દરમિયાન ભારતીય ડોક્ટર્સે આ બીમારીની ગંભીરતા પર પ્રકાશ પાડયો હતો.
અમદાવાદમાં પણ સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટે ઓસ્ટિયોપાઇરોસીસ પ્રત્યે જાગરૂકતા અને સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઇમ્બ્તૂરમાં એક હોસ્પિટલ દ્વારા યોજાયેલા સેમિનારમાં ડોક્ટર્સે કહ્યું હતું કે, ભારતમાં હાલ ૩૦ કરોડ લોકો ઓસ્ટિયોપાઇરોસિસથી પીડાય છે અને આગામી દસ વર્ષમાં દેશનાં ૫૦ ટકા લોકો આ બીમારીથી પીડાતાં હશે. હાલ આ બીમારી અન્ય દેશો કરતાં ભારતમાં ત્રણ ગણી વધુ સામાન્ય બની ગઈ છે.
કસરત જ એક ઉપાય
ઓસ્ટિયોપાઇરોસિસનું યથાદૃશ્ય રજૂ કરતાં અને તેને રોકવાના ઉપાયો જણાવતાં ડોક્ટર્સે કહ્યું હતું કે, વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ બાદ તે સૌથી મોટી બીમારી તરીકે ઊભરી રહ્યો છે, તેના લીધે થતાં ફ્રેક્ચરમાં વધારો થઈ રહ્યો છે. આ બીમારીનાં નિદાનની સમસ્યા એ છે કે, જ્યાં સુધી હાડકું નબળું ન બને, તે ભાંગે ત્યાં સુધી તેના વિશે જાણી શકાતું નથી. વૃદ્ધાવસ્થામાં આ બીમારીનો સામનો ન કરવો હોય તો કિશોર વય પૂર્વે કે કિશોરાવસ્થા દરમિયાન પુષ્કળ શારીરિક પ્રવૃત્તિઓ કે કસરતો કરવી એ તેનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો