visiter

રવિવાર, 14 ઑક્ટોબર, 2012

'બાળકને છઠ્ઠા ધોરણથી કેન્સર અંગે જ્ઞાન આપવું'

-ન્યુયોર્કના કેન્સર સર્જન ડૉ.જતીન શાહનું સૂચન


'કેન્સર અંગે જાણકારી મેળવનાર બાળક પિતાને કહેશે, પપ્પા મારા લગ્નમાં તમારી હાજરી જરૃરી છે, હવે તમે સ્મોકિંગ બંધ કરી દો.'
ગુજરાતમાં મોઢાના કેન્સરના દર વર્ષે નવા ૩.૫ લાખ કેસ બને છે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
કેન્સરમાં રિસર્ચ તો થતાં રહેશે, પરંતુ રોગ અને શત્રુને ઉગતા જ ડામવાની નીતિ સૌથી મોટો ઉપાય છે. આ માટે છઠ્ઠા ધોરણમાં બાળક જાય ત્યારે જ તેને કેન્સર અને તેના જોખમો અંગે જ્ઞાાન આપવાનું શરૃ કરો. તેમને કેન્સરના જોખમોનો ખ્યાલ આવશે એટલે તેઓ પોતે જ પોતાના પિતાને રોકતા કહેશે કે, 'પપ્પા મારા લગ્નમાં તમારી હાજરી જરૃરી છે તમે સિગારેટ-બીડી પીવાનું બંધ કરી દો.' આ પરિવર્તન આવશે ત્યારે જ ગુજરાતમાં કેન્સરના કેસો ઓછા થઈ શકશે. કેન્સર અંગે સંશોધન ગમે તેટલા થશે, થયા કરશે, અત્યારે તો કેન્સરને થતું અટકાવવું જ સૌથી વધુ જરૃરી છે.
આજે અહીં ગુજરાત સમાચાર સાથે ખાસ વાતચીત કરતાં ન્યૂયોર્કની મેમોરિયલ સ્લોઆન કેટરિંગ કેન્સર સેન્ટરના ટોચના ડૉ. જતીન શાહે જણાવ્યું હતું કે વિશ્વમાં થતાં કેન્સર અંગેના સંશોધનો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે કેન્સરના કેસ વધતા અટકે તેના પર સૌથી પહેલું ધ્યાન આપવું જરૃરી છે. ગુજરાતમાં વર્ષે કેન્સરના ૩.૫ લાખ નવા કેસ બને છે. તેમાંય ખાસ કરીને મોઢાના કેન્સરના કેસો સૌથી વધુ બની રહ્યા છે. તેમાંથી ૭૦ ટકા દર્દીઓનું કેન્સર એડવાન્સ સ્ટેજમાં એટલે કે ફોર્થ સ્ટેજમાં પહોંચી ગયું હોવાનું જોવા મળે છે. મોઢાના કેન્સરના કેસોની બાબત ગુજરાત વિશ્વનું પાટનગર કહેવાય તેવી સ્થિતિ છે.
મેમોરિયલ સ્લોઆન કેટરિંગ કેન્સર સેન્ટરમાં જ પ્રોફેસર ઑફ સર્જરી તરીકે સેવા આપતા અને અમેરિકાના અગ્રણી કેન્સર સર્જનોની હરોળમાં સ્થાન ધરાવતા ડૉ. અશોક શાહનું કહેવું છે કે, 'સ્કૂલથી એજ્યુકેશનનો આરંભ કરવામાં આવશે તો સ્મોકિંગ લૅસ સોસાયટી કે પછી એક પેઢી ઊભી થઈ શકે છે. તેમ થાય તો કેન્સરથી જીવન ગુમાવનારાઓની સંખ્યા એકદમ ઓછી થઈ શકે છે. તેમ જ કેન્સર થયાની જાણકારી મળે તે પછીય સ્મોકિંગ ક ગુટખા ચાવવાનું બંધ કરી દે તો મૃત્યુ પામવાનું જોખમ ૩૫ ટકાથી ઘટીને ૬ ટકા જેટલું થઈ જાય છે. ગુટખાનો વેપાર અટકાવવાનું પગલું આવકાર્ય છે, તેમાં રહી ગયેલા છીંડાં પૂરી દેવા જરૃરી છે.'
ડૉ. અશોક શાહે જણાવ્યું હતું કે ઃ'ગુજરાત સરકાર કેન્સરની બાબતમાં જાગૃતિ વધારવા અત્યારે જે કવાયત કરી રહી છે તે કવાયત કરતાંય ઘણી વધુ કવાયત કરવી જરૃરી છે. ટીવી અને પ્રિન્ટ મિડિયા ઉપરાંત અન્ય પ્રસાર માધ્યમોની મદદથી તેમણે કેન્સરના જોખમો અંગે અબાલવૃદ્ધ દરેકમાં જાગૃતિ લાવવી જોઈએ. તેમાંય જો છઠ્ઠા ધોરણથી અભ્યાસક્રમમાં જ કેન્સર અંગેનું વિગતવાર જ્ઞાાન આપીને બાળકોને તૈયાર કરવામાં આવશે તો બાળકો જ મોટેરાંઓને રોકીને ધુમ્રપાન કે ગુટખાનું વ્યસન છોડવાની ફરજ પાડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. સ્કૂલમાં એક્ઝિબિશન યોજીને નાનપણથી જ ખતરનાક કેન્સરના જોખમો અંગે જાગૃત કરવા જોઈએ.'
અત્યારે વિકસિત દેશોમાં એડવાન્સ સ્ટેજમાં કેન્સર પહોંચી ગયું હોય તો પણ તેમાંથી ૬૦ ટકા દર્દીઓને બચાવી શકાય છે. તેની સામે ભારતમાં એડવાન્સ સ્ટેજના કેન્સર ડિટેક્ટ થયા પછી માંડ દસ ટકા દર્દીઓને જ બચાવી સકાય છે. ગુજરાતમાં કેન્સર જોખમી હદે વકરી રહ્યો છે.

મોઢાનાં કેન્સરનો દર્દી દારૃ પીવે તો જોખમમાં ૧૬ ગણો વધારો
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
મોઢાના કેન્સરનો શિકાર બનેલી વ્યક્તિ દારૃ પીવે તો તેના માથા પરનું જોખમ ૧૬ ગણું વધી જાય છે. વિદેશમાં પહેલા સ્ટેજ પર આ કેસ પકડાઈ જાય છે, જ્યારે ગુજરાતમાં ચોથા સ્ટેજ પર આ કેસ પકડાય છે. કેન્સર ૭૦ ટકાથી વધુ ફેલાઈ ગયો હોવાથી અને ચોથા સ્ટેજમાં હોવાથી ગુજરાતમાં માંડ ૧૦ ટકા લોકોનો બચાવી શકાય છે.

દર્દીને બચાવવાના શ્રેષ્ઠ પ્રયાસો પછી બધું ભગવાનને સોંપી દઉં છું
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
અમેરિકાના ટોચના હેડ એન્ડ નૅક કેન્સર સર્જરીમા ટોચના ડૉ. જતીન શાહે જણાવ્યું હતું કે, 'કેન્સરની બીમારી એક અત્યંત પીડાદાયક પરિસ્થિતિ છે. આ સ્થિતિમાં પેશન્ટને વધુમાં વધુ રાહત આપવાની સાથોસાથ તેમની જીવાદોરી વધુમાં વધુ લંબાય તેવી તેમના સ્વજનોની ઇચ્છાને પરિપૂર્ણ કરવા માટેની કોશિશ કરું છું. તેમ જ તેમના જીવને આનંદમય બનાવવાની અથાગ મહેનત કરું છું. દરેક કોશિશને અંતે એક આછો આઘાત જરૃર લાગે છે, પરંતુ તે કોશિશ કર્યાના સંતોષ સાથે જીવું છે, કારણ કે દરેક જીવનો અંત મૃત્યુ જ છે તે સમજીને સ્વીકારી લીધું છે.'

મોબાઈલ ફોન કે ટાવરમાંથી છૂટતા વેવ્સને કેન્સર સાથે સંબંધ નથી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
મોબાઈલમાંથી છૂટતા વેવ્સ કે પછી મોબાઈલ ટાવરમાંથી છૂટતા વેવ્સને કારણે કેન્સર થાય છે કે કેમ તે અત્યાર સુધીમાં કોઈપણ વૈજ્ઞાાનિક કારણો સાથે પુરવાર થયું નથી. પરિણામે આ એક સહજ માન્યતા છે. તેનાથી તે અંગે કંઈ જ વિશેષ કહી શકાય તેમ ન હોવાનું ડૉ. જતીન શાહે જણાવ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો