visiter

બુધવાર, 10 ઑક્ટોબર, 2012

વિદ્યાસહાયકની ભરતીમાં ગુજરાતી, સંસ્કૃત, હિન્દીના ઉમેદવારને અન્યાય

ભાવનગર, તા.૯
આળસુ શિક્ષણ વિભાગ દ્વારા લાંબા સમય બાદ વિધા સહાયકની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે એક પણ ભરતી પ્રક્રિયામાં રાજ્યનો શિક્ષણ વિભાગ વિવાદમાં સપડાયો ન હોવાનું ક્યારેય બન્યુ નથી.શિક્ષણ વિભાગ દ્વારા થઈ રહેલી વિધાસહાયકની ભરતીમાં ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી વિષયના વિદ્યાર્થીઓને હળાહળ અન્યાય થઈ રહ્યોનો ઉમેદવારોમાંથી કકળાટ ઉઠવા પામ્યો છે.
·        કુલ ભરતીની જગ્યા પૈકીની ભાષાની જગ્યામાં પ૦ ટકા જગ્યા માત્ર અંગ્રેજી અને બાકીની ૫૦ ટકા જગ્યામાં ભાષાના અન્ય ઉમેદવારો..!
આ અંગે શિક્ષણ વિભાગનાં સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આદર્શ આચારસંહિતા અમલમા આવે તે પૂર્વે જ વિધા સહાયકની ભરતીની જાહેરાત કરી હતી.આ જાહેરાતના અનુસંધાને ઉમેદવારોના ફોર્મની સબમિશનની કાર્યવાહી ચાલી રહી છે.સબમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ સંભવતઃ ચૂંટણીઓ બાદ વિધા સહાયકની ભરતી પ્રક્રિયા યોજવાનું માનવામાં આવી રહ્યુ છે.સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર સહિત રાજ્યમાં ભાષાની કુલ ૨૧૪૯ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા થશે.જેમા અંગ્રેજી વિષય માટે ૧૦૨૧ જેટલી બેઠકો અને અન્ય સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી વિષય માટે ૧૧૨૮ બેઠકો ફાળવવામા આવી છે.અર્થાત ગુજરાતી,હિન્દી અને સંસ્કૃતના વિષયોના ઉમેદવારો સાથે રીતસરનો અન્યાય કરવામા આવ્યો છે.ભાવનગરમાં ભાષામાં વિધાસહાયકની ભરાનારી ૭૨ જગ્યામાં ૩૫ બેઠકો અંગ્રેજીને ફાળવી દેવાઈ છે.જ્યારે ૧૨ બેઠક ગુજરાતી, ૧૨ બેઠક હિન્દી અને ૧૩ બેઠક સંસ્કૃતને ફાળવવામા આવી છે.આમ અંગ્રેજી વિષયની સરખામણીમાં ઓછી બેઠકો ફળવવામા આવી છે.જેને લીધે ઉમેદવારોમાં શિક્ષણ વિભાગ સામે રોષ વ્યાપી ગયો છે.
ગત વર્ષે સમાન મેરિટ હતું
ગત વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા વિધાસહાયકની ભરતી પ્રક્રિયા યોજવામા આવી હતી.જેમા ભાષાની ભરતીમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી વિષયનું સમાન મેરીટ હતું.જ્યારે આ વખતે અંગ્રેજીનુ મેરિટ વધારીને સીધુ પ૦ ટકા કરી નાખવામા આવ્યુ છે.જેને લીધે ભાષાનાં અન્ય ઉમેદવારોમાં શિક્ષણ વિભાગ સામે ભારે રોષ વ્યાપી ગયો હોવાનું જાણવા મળ્યુ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો