visiter

બુધવાર, 10 ઑક્ટોબર, 2012

ટેટના મુદ્દે રાજ્ય સરકારને હાઇકોર્ટે ઠપકો આપ્યો

ટીચર્સ એલિજિબિટી ટેસ્ટમાં સામાન્ય વિજ્ઞાનના વિષયના શિક્ષકોના ઉમેદવાર તરીકે બી.કોમ. ઇકોનોમિક્સના વિષય સાથેના ઉમેદવારોને બાકાત રાખવાની દાદ માગતી રિટમાં રાજ્ય સરકારે સોગંદનામું ન કરતાં હાઇકોર્ટે ઠપકો આપ્યો હતો. હાઇકોર્ટના જસ્ટિસ વી.એમ. સહાય અને જસ્ટિસ જી.બી. શાહની ખંડપીઠે ૨ અઠવાડિયા સુધીમાં રાજ્ય સરકારને સોગંદનામું કરવાનો આદેશ કર્યો છે.

જો તેમ ન થાય તો પ્રાથમિક શિક્ષણ વિભાગના અગ્રસચિવ, ડાયરેક્ટર અને રાજ્ય પરીક્ષા ર્બોડના સત્તાવાળાઓને અદાલતમાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે. સરકારના સંબંધિત વિભાગ દ્વારા જુલાઈ ૨૦૧૧ના એક સુધારા મારફતે અર્થશાસ્ત્ર વિષય સાથે બી.કોમ. પાસ કરનારા ઉમેદવારોને પણ સામાન્ય વિજ્ઞાનના શિક્ષક તરીકે યોગ્ય લાયકાત ધરાવતા હોવાનું ઠેરવ્યું હતું.

તેથી આની સામે હાઇકોર્ટમાં ઇતિહાસ અને ભૂગોળ સાથે બી.એ. થયેલા ઉમેદવારોએ રિટ કરી હતી, જેમાં એડ્વોકેટ દિગંત પી. જોષીએ એવી રજૂઆત કરી હતી કે, 'તંત્ર દ્વારા સુધારા મારફતે અર્થશાસ્ત્ર સાથે બી.કોમ. થયેલા ઉમેદવારો યોગ્ય ઠેરવ્યા છે, પરંતુ તેઓ ખુદ સામાન્ય વિજ્ઞાન ભણ્યા હોય નથી. એટલું જ નહીં એન.સી.ટી.ઈ. અંતર્ગત પણ તેઓ આવતા નથી. તેવા સંજોગોમાં તેમની ઉમેદવારી યોગ્ય કેવી રીતે ગણી શકાય, તેથી તેમને બાકાત રાખવા જોઈએ.’

આ કેસમાં અગાઉ હાઇકોર્ટ દ્વારા સંબંધિત પ્રતિવાદીઓને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો હતો, તેમ છતાં કોઈ જવાબ રજૂ કરાયો નહોતો. એટલું જ નહીં મંગળવારે કેસની સુનાવણી દરમિયાન સંતોષકારક ખુલાસો પણ સરકાર તરફથી કરી શકાયો નહોતો. તેથી હાઇકોર્ટે સરકારના વલણની ટીકા કરી બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે અને ન કરી શકાય તો અધિકારીઓને હાજર રહેવાની તાકીદ કરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો