બેઇજિંગ, તા. ૨૦
અત્યારની અતિ વ્યસ્ત જીવનશૈલીમાં નિઃસહાય માતા-પિતા માટે સમય ન કાઢી શકનારા પુત્ર માટે ચીનના એક યુવકે ઉદાહરણ રજૂ કર્યું છે. ચીનની રાજધાની બેઇજિંગમાં વ્હિલચેરને સહારે જીવી રહેલી એક માતાનું સપનું પૂરું કરવા તેના પુત્રે ૧૦૦ દિવસ સુધી ૩,૫૦૦ કિલોમીટરના કપરા માર્ગ પર પદયાત્રા કરી છે. ૨૬ વર્ષીય ફેન મેંગે આ પદયાત્રા માત્ર તેની લકવાગ્રસ્ત માતા કોઉ મિનજુનના ઝિશુઆંગબાના ફરવાનું સપનું પૂરું કરવા માટે જ કરી છે.
માતાને વ્હિલચેરમાં બેસાડી ૧૦૦ દિવસ સુધી ચાલ્યો
બેઇજિંગથી હજારો કિલોમીટર અંતરે આવેલા ઝિશુઆંગબાના જવાનું માતાનું સપનું હતું
ફેન મેંગ તેની માતા મિનજુનને વ્હિલચેર પર બેસાડી બેઇજિંગથી પગપાળા યુનાન પ્રાંત સ્થિત ઝિશુઆંગબાના પહોંચ્યો હતો. આજ્ઞાકારી પુત્ર તરીકેના તેનાં આ કામનાં ઇન્ટરનેટ પર ખૂબ વખાણ કરવામાં આવ્યાં છે. મિનજુન કહે છે કે, 'હું ચાલી શકતી ન હોવાથી ઘણાં વર્ષોથી બેઇજિંગની બહાર જઈ શકી નહોતી પણ ટીવી કાર્યક્રમ અને સમાચારપત્રોમાં ઝિશુઆંગબાના વિશે ઘણું સાંભળ્યું હોવાથી ત્યાં એક વાર જવાની તીવ્ર ઇચ્છા હતી.' કોઉ ઉમેરે છે કે, 'મારા પુત્ર વિના આ સપનું પૂરું થઈ શક્યું ન હોત, મને લાગે છે કે આ યાત્રાથી મારો પુત્ર વધુ પરિપક્વ બન્યો છે.'
દસ વર્ષ પહેલાં મિનજુન અને તેના પતિના છૂટાછેડા થયા હતા, ત્યારથી તે તેના આ પુત્ર સાથે રહે છે. સરકાર તરફથી મળતી સબસિડી અને સગાંસંબંધીઓની મદદથી તેમનું ગુજરાન ચાલે છે. માતા અને પુત્ર સાથે તેમનો એક પાલતુ કૂતરો પણ રહે છે, માતા-પુત્ર તેને પણ સાથે લઈ ગયાં હતાં.
માતાની ઇચ્છા પૂરી કરવા નોકરી છોડી
મેંગે તેની માતાની આ ઇચ્છા પૂરી કરવા માટે ગત ૧૧મી જુલાઈએ તેની નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. તે એક ઇલેક્ટ્રોનિક ફર્મમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. મેંગે રસ્તામાં લૂંટારુઓનો સામનો કરવા માટે ચપ્પુ જેવાં હથિયાર પણ સાથે રાખ્યાં હતાં, જોકે રસ્તામાં લોકોએ તેમને સહકાર આપ્યો હતો.
યાત્રા ૬૮,૩૭૬ રૂપિયામાં પડી
બેઇજિંગથી ઝિશુઆંગબાના પહોંચવા માટે તેણે હેબેઇ, હેનાન, હુબેઇ, હુનાન, ગુઝોઉ, યુનાનની સફર ખેડી હતી. આ દરમિયાન આરામ કરવા માટે તેઓ તેમના પોતાના ટેન્ટમાં રહેતાં હતાં, કેટલીક વાર સસ્તી હોટેલમાં પણ રોકાયાં હતાં. માતા અને પુત્રને તેમની આ યાત્રા ૮,૦૦૦ યુઆન એટલે કે ૧,૨૭૦ ડોલર (લગભગ ૬૮,૩૭૬ રૂપિયા)માં પડી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો