visiter

રવિવાર, 21 ઑક્ટોબર, 2012

'રાઈટ ટુ એજ્યુકેશન'ના અમલ માટે જેતપુરની શાળાઓને નોટિસ

રાજકોટના જેતપુર ખાતે શાળાઓમાં રાઇટ ટુ એજયુકેશન એકટના અમલીકરણ માટે હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ દાખલ થઇ છે. જેની સુનાવણીમાં ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે રાજ્યના શિક્ષણ સચિવ, રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જેતપુરની ૧૨થી વધુ શાળાઓને કારણદર્શક નોટિસ જારી કરી છે.
  • શિક્ષણ સચિવ, રાજકોટ જિ.પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના સત્તાધીશોને નોટિસ
જેતપુરના સ્થાનિક રહીશ તરફથી કરાયેલી જાહેરહિતની રિટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જેતપુરની શાળાઓમાં રાઇટ ટુ એજયુકેશન એકટનો અમલ થતો નથી અને તેના કારણે સમાજમાં નબળા વર્ગના બાળકો સહિતના વિદ્યાર્થીઓને ભારોભાર અન્યાય થઇ રહ્યો છે. રાઇટ ટુ એજ્યુકેશન એકટની જોગવાઇઓ મુજબ, શાળાઓમાં નબળા વર્ગના બાળકો માટે ૨૫ ટકા અનામત રાખવી ફરજિયાત છે, શાળા સત્તાવાળાઓ બાળકોને પ્રવેશ વખતે ઇન્ટરવ્યુ ના લઇ શકે તેમ જ પ્રવેશ વખતે વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓ પાસેથી કેપિટેશન ફી કે ડોનેશન ના ઉઘરાવી શકે તેવી સ્પષ્ટ જોગવાઇઓ હોવા છતાં આ જોગવાઇઓનું કોઇજ પાલન થતું નથી.
અરજદારપક્ષ દ્વારા જેતપુરની તમામ શાળાઓમાં રાઇટ ટુ એજયુકેશન એકટના ચુસ્તપણે પાલન કરાવવા રાજય સરકારના સત્તવાળાઓને હુકમ કરવા રિટ અરજીમાં દાદ માંગવામાં આવી હતી. રાજ્યની તમામ શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન એકટની અમલવારી માટે જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયા દ્વારા જાહેરહિતની રિટ અરજી અગાઉ દાખલ કરાયેલી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો